Wednesday, August 09, 2006

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

ડૉ.વિવેક મનહર ટેલર



આજથી આ બ્લૉગ ગઝલોનો બ્લૉગ ન બની રહેતાં મારા કાવ્યોનો બાગ બની રહેશે જ્યાં મારી ગઝલ, મુક્તક ઉપરાંત ગીત, અછાંદસ તથા હાઈકૂના વિવિધરંગી પુષ્પો અવારનવાર જોવા મળશે. ગીતોના છંદની બાબતમાં હજી હું બાળમંદિરમાં પ્રવેશ લેતો બાળક છું. આ ગીતના છંદમાં જે દોષ રહ્યાં છે એ બદલ અગાઉથી ક્ષમાયાચના. પ્રાસંગિક ગીત હોવાથી છંદસુધારણા સમય મળ્યેથી કરવાની ખાતરી પણ આપું છું. અને મુંબઈની પરાંની ટ્રેનોમાં સાત જુલાઈના રોજ થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોની પાર્શ્વભૂ પર રચાયેલા આ ગીતની સાથે કોઈ ફોટોગ્રાફ ન જ હોઈ શકે એ પણ સમજી શકાય છે...

No comments:

Free Website