Thursday, August 10, 2006

[ જેમના વિશે આ લેખ છે તે શ્રીમતી પ્રીતિ સેનગુપ્તાનું, ગુજરાતી સાહિત્યમાં અદ્વિતિય યોગદાન બદલ આગામી સપ્ટેમબર માસમાં વોશિંગ્ટન સ્થિત ‘ગુજરાતી લિટરરી એકાદમી’ દ્વારા સન્માન કરવામાં આવનાર છે. આ સુંદર માહિતિપ્રદ લેખ રીડગુજરાતીને લખી મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર.]

હવા ખરી પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, અસંખ્ય વચ્ચે એકલતા અનુભવાય, આ બધું તો જળ બિન મછલી જેવું છે. સારું લખવાથી કામ પતી જતું નથી. આને કોણ વાંચે, જાણે કે નાંણે તો લખ્યાની સાર્થકતા વર્તાય, અને કલમમાં ઉત્સાહનું જોમ બઢે. સહી જાણ વગર અંધારામાં આથડવા જેવું પણ થાય.

‘પેઈંગગેસ્ટ પરવાનો’ મારી પ્રથમ લધુનવલ, પ્રસ્તાવના કાજે મેં ઘણાં ફાંફાં માર્યા હતાં. ‘અમાસનો ચંદ્ર’, બીજી નવલકથાની પ્રસ્તાવના લંડનનાં ડૉ. જગદીશભાઈ દવેએ લખી. આનું લોકાર્પણ કરવું હતું, પણ એની મને કશી ગતાગમ જ નહીં, નવો હતો ને માટે ! નવાનો હાથ પકડતાં જૂનાં ન્યૂન બની પણ જતાં હોય ! વળી ત્રીજી નવલકથા ‘ચંદ્ર ચકોર ને ચાંદની’ લખાઈ ગઈ હતી, અને એના આમુખ માટે ફરી પાછી મેં મારી તલાશ આદરી હતી.

એક સમારંભમાં મેં મારી મૂંઝવણ એક વ્યક્તિને બતાવી, બલ્કે બળાપો કાઢ્યો. એમણે મારાં બન્ને કામ આસાન બનાવી દીધાં. ‘ગુજરાતી લિટરરરી અકાદમી’ નાં એક કાર્યક્રમમાં વિમોચનનો એમણે જોગ કરી આપ્યો. ડૉ. સુરેશભાઈ દેસાઈના હસ્તે આ કામકાજ થયું. વળી પેલી વ્યક્તિએ મારી નવલકથાની પ્રસ્તાવના પણ લખી. તારીખ હતી ડિસેમ્બર 6, 1998. જીવનની આ ઘટનાને હું ક્યારેય પણ વિસરી ના શકું.

એ વ્યક્તિ તે પ્રીતિ સેનગુપ્તા. એમને માટે મને માન અને આદર છે. જોડણીની મારી ભૂલો માટે એમણે મને ટપારેલો પણ ખરો ! એમણે લખેલી પ્રસ્તાવનાના આ શબ્દો દરેક લેખકને લાગુ પડે છે : ‘લખાણમાં જેટલી પરિપક્વતા આવે તેટલું તે સચોટ બને. ઉત્તમ પ્રાપ્તિ માટેના પ્રયત્નોની પરિણામ પ્રશસ્ય બનીને ટકે છે. આ માટે ઉત્કૃષ્ટ સાહિત્ય-કૃતિઓનું વાંચન જરૂરી છે.’ એમનાં સૂચનનો મેં અમલ કર્યો, જે થકી મને લાભ જ થયો.


પ્રીતિબહેન માટે મારે કંઈ પણ લખવું હોય તો એમની પ્રીતિ હું જાણું તો મારું કામ થઈ જાય. પણ, આ તો મારા માટે કાથીનાં વળ ઉખેડવા જેવું થયું. મહેંદી વાવી માળવે ને રંગ ગયો ગુજરાત રે, આવું નહીં પરંતુ એક ગુજરાતણે પોતાની પહેચાન સારી દુનિયાને કેવી રીતે આપી, એ દિલચશ્પ વિગતો મારા ધ્યાનમાં આવી. કેન્દ્રનો વિસ્તાર એણે એવો કર્યો કે વિશ્વ એનું વર્તુળ બની ગયું ! પરિધે ખડા, દુનિયા કેવી ગોળ છે ?, એ જ હવે મારે તો બતાવવાનું છે. ઘર, ગલી, ગામ, રાજ્ય અને દેશ પ્રીતિબહેનનું સરનામું બનતું નથી. પોતાની નિજી ઓળખ એ આ રીતે આપે છે :
[1] મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડાં અમેરિકન. ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના
[2] વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વ્યવહાર સારી દુનિયા સાથે.
[3] આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તમાન વટેમાર્ગુ જેવું.
[4] કર્મે લેખક, ધર્મે મુસાફર

કંઈક મળ્યું ખરું, પણ પાછું ગોતવાનું ! પ્રીતિબહેનને જ્યારે પણ હું મળ્યો ત્યારે એકસરખાં જ એ મને દેખાયાં. અર્થાત એકવડીયા બાંધામાં કોઈ ફેરફાર કળાયો નથી. મિતાહાર આનું કારણ હોઈ શકે. પ્રિય રંગ સફેદ, કપડાં સુઘડ સાદાં, પણ એનાં એ જ તો કદી જ નહીં. હા, ભાતીગળ આ હોય ખરાં. મોટા ભાગે સાડીમાં હોય, સજાવટમાં ચિવટતા, ઠઠારો બિલકુલ નહીં. શાળા અને કૉલેજમાં એ ખાદી પહેરતાં. મોં પર સદા હાસ્ય ફરકતું હોય. આમ જ વાળમાં પુષ્પ તો અચૂક જોવા મળે. પત્ર કે લખાણમાં, ખાસ તો નામ નીચે, બે કે ત્રણ પાન સાથેનાં બારમાસી શા શિધ્ર દોરેલાં પુષ્પો પણ મેં જોયાં છે. પ્રકૃતિ સાથે ઓતપ્રોતતા, ધરતી શી પ્રગલ્ભતા, આકાશી ઉત્સાહ; છતાં બોલાવો તો આવે, પત્ર લખો તો જવાબ આપે, અને શક્ય ના હોય તો એ સ્પષ્ટ જણાવે પણ ખરાં. એમનું નામ હું ખોટી રીતે લખતો, ત્યારે એમણે જણાવેલું કે આટલા વર્ષો પછી પણ હું કેમ એમનું નામ બરાબર લખતો નથી ? આમાં રોષ, સાથે મને ઉપાલંભ વર્તાયો હતો. ભાષાશુદ્ધિ એમનો અસૂલ છે.

પ્રીતિબહેન ત્રીસેક વર્ષથી ગુજરાતથી અમેરિકા આવી વસેલાં છે. જ્યાં રહ્યાં તે ઘર, અને જ્યાં હ્રદય તે ગામ. તન અહીં તો મન ત્યાં, એવું પણ કહી શકાય. ગળથૂથીનાં ભાષા-સંસ્કાર એમણે અકબંધ જાળવ્યા છે. ગાંધીજી, વિવેકાનંદ અને કૃષ્ણમૂર્તિ પ્રેરણાપાત્ર તો મુનશી, ટાગોર, પ્રેમચંદ, કાલેલકર અને ર.વ. દેસાઈ એમનાં પ્રારંભકાળનાં મનગમતા સર્જકો છે. રવીન્દ્ર સંગીત અને બંગાળી એ શીખેલાં છે. કનિકા બૅનરજી અને જ્યૂથિકા રૉય સાથેની સુખદ પળો હજી પણ એ વાગોળે છે. દેશમાં અને અમેરિકામાં, એમ બે વખત, એમ.એ. કર્યું છે, આ પણ ઈંગ્લીશ ભાષા-સાહિત્યમાં. પૉલ થેરૉ, નાયપૉલ અને ગૉલ્સવર્ધી એમનાં પ્રિય વિદેશી સર્જકો છે. Joy of Travelling Alone, White Days – White Nights, My Expedition of Magnetic Noth Pole આ ત્રણ એમનાં અંગ્રેજી પુસ્તકો છે.

500 થી અધિક પુસ્તકો એમનાં ઘરમાં છે. ઘણું વાંચે છે. લખે છે પણ ઘણું. શબ્દનો સથવારો એમનું જીવન, કથન અને કવન છે. એમની ગદ્ય અને પદ્ય અભિવ્યક્તિ એકબીજાંની હરિફાઈ કરતી હોય એવું લાગે, પણ એકથી બીજું લેશ માત્ર કદી પણ ના વર્તાય ! શબ્દોનું સ-રસ ગૂંથણ એમની કાબેલિયત છે. જુઈનું ઝૂમખું, એમનો પ્રથમ પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ છે. આ પછી ‘ખંડિત આકાશ’, ‘ઓ જુલિએટ અને સાત ખંડ,સાતસો ઈચ્છા’ કાવ્યસંગ્રહો પ્રગટ થયાં. નિબંધો માટેની એમની આગવી દ્રષ્ટિ છે. ‘ઘરથી દૂરનાં દૂર’, ‘ઉત્તર ધ્રુવનું આકર્ષણ’, ‘નિત નવા વંટોળ’, ‘સ્થળાંતર’ અને ‘મહાનગર’ એમનાં લલિત નિબંધોનાં પુસ્તકો છે. એમની વાર્તાશૈલી પણ અલગ તરી આવે. આ તો, એમનો એક સ્વપ્નનો રંગ વાર્તાસંગ્રહ વાંચો તો જ ખબર પડે. મારા કાવ્યસંગ્રહ ‘કાવ્યધારા’માં મેં પ્રીતિબહેનની નોંધ આ રીતે લીધી છે :

એક પગ અહીં અને બીજો તહીં,
પ્રવાસ પ્રતિ એને ગજબની પ્રીતિ.
સોહે સુંદર પુષ્પ કેશે તહીં,
ભાષા-કવિતા સદૈવ ઉરે છે પ્રીતિ.

કુટુંબીજનોનાં પ્રવાસ લગાવનો લાભ પ્રીતિબહેન ખાટ્યા. સ્કૂલનાં સામાયિકોમાં એમનાં પ્રવાસ લેખો પ્રગટ થયેલા. પ્રવાસની લગન એમનાં મનોમસ્તિકમાં જડબેસલાક બેઠી, અને સમય જતાં એવી નિખરી કે દુનિયાનાં સાત ખંડો ઉપર એમનાં પગ ફરી વર્યા ! દેશો કેટલા ? સવાલ કોઈને પૂછો તો માથું ખંજવાળે અને ક્યાં ક્યાં જઈ આવ્યા ?, તો જવાબમાં સાત-આઠથી વધુ સંખ્યા ન મળે. પરંતુ પ્રીતિબહેન 104 દેશોમાં ગયાં છે. આમાંના કેટલાકમાં ચાર વાર, યુરોપમાં પંદર વાર અને ઈગ્લેન્ડમાં તો વીસેક વાર. જાપાન એમનો ચહીતો દેશ છે. તિબેટ, ગ્રીનલેન્ડ અને દક્ષિણ-પેસિફિક – હાંજા ગગડાવે એવાં પણ બાકાત નહીં ! 89માં એન્ટાર્ક્ટિક-ધ્રૂવપ્રદેશનાં તોફાનમાં જહાજ એવું ટકરાયેલું કે સામાન તો ગયો, પણ એ પરાણે બચ્યાં હતાં ! વિષમતા અને મુશ્કેલીઓનું નામ જ પ્રવાસ. સ્થળો વિષેની માહિતી, ત્યાંનો ભાષા-માહોલ, લોકજીવન-રીતરસમો, ઋતુ-હવામાન, આ બધું જાણવું અગત્યનું છે. ત્યાંના બનીને, ત્યાં જેવા થઈને, હરોફરો તો કશું પણ ના કઠે કે ખટકે અને મજા તો અવશ્ય આવે. આ કાજે જ કદાચ ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ, અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ, જાપાની અને ઈટાલિયન ભાષાઓ શીખવાનું એમને મુનાસિફ માન્યું હશે.

92ની સાલ, કૉલમ્બસની યાદમાં ખેડેલો ચુંબકિય ઉત્તર ધુવનો પ્રવાસ, 60 ડીગ્રી માઈનસ ઠંડીની માત્રા, હિમાચ્છિદ વિસ્તરેલ ટોચ, અને ત્યાં ત્રિરંગો ઝંડો ફરકાવ્યો, સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું, એ પ્રીતિબહેન માટે જીવનની યાદગાર ઘટના છે. અહીં જનાર એ પ્રથમ ભારતીય વ્યક્તિ, બલ્કે એક નારી હતી. આપણા માટે તો આ ફક્રની વાત કહેવાય. ટી.વી., રેડિયો અને પેપરોમાં આ સમાચાર આવેલા. વડાપ્રધાન નરસિંહ રાવે દિલ્હીનાં જયપૂર હાઉસમાં તે વર્ષે એક મિજબાનીમાં એમને નિમંત્ર્યાં પણ હતાં.

પ્રવાસને શબ્દરૂપ આપવું પ્રીતિબહેનને ગમે છે. એક નહીં, બે નહીં 18 એમનાં ગ્રંથસ્થ પ્રવાસ-સાહિત્ય પુસ્તકો છે. આમાંનાં ‘પૂર્વા’, ‘દિકદિગંત’, ‘સૂરજ સંગે – દક્ષિણ પંથે’, ‘અંતિમ ક્ષિતિજો’, ‘ધવલ આલોક – ધવલ અંધાર’ , ‘કિનારે કિનારે’ અને ‘નમણી વહે છે નદી’ તો ઈનામ વિજેતા છે. ચિત્ર, સંગીત, બાટિક, ફૉટોગ્રાફી, મેક્રેમે – અંકોડીગૂંથણ વગેરે એ જાણે છે. કલમ જેમ સચોટ, એમ એમની તસ્વીરો પણ વિશિષ્ટ અને આબેહૂબ. આ જોઈએ તો આપણે કદાચ પ્રવાસ ના કરવો પડે. કેમેરા કરામતનું છબિઅભિવ્યક્ત પુસ્તક, ‘our india’ વસાવ્યું હોય તો સારાય ભારતનું પર્યટન થઈ જાય. એ વ્યાખ્યાનો આપે છે, અને પ્રવાસનાં ‘સ્લાઈટ શૉ’ પણ કરે છે.

ઓપિનિયનમાંથી પ્રીતિબહેનનાં સાડાત્રણ મુદ્દા સાભાર અત્રે દોહરાવું છું : [1] પરસ્પર આત્મીયતા અને ઉદારતાની આનંદ લાગણી હોવી આવશ્યક છે. [2] લખીએ ત્યારે જોડણી, વ્યાકરણ, શબ્દ-સૌંદર્યની શુદ્ધતતા, શ્રેષ્ઠતા માટે અને બોલીએ ત્યારે ઉચ્ચાર, વિચાર, અભિવ્યક્તિની શુદ્ધિ તો હોવી જ જોઈએ. જોડણી-કોશ અને શબ્દ-કોશ દરેકે વસાવવો જોઈએ, અને એનો ઉપયોગ પણ કરવો જોઈએ. [3] માગણી સહેલા માટેની નહીં, બલકે કઠિન શીખવા માટે, વધારે સારા થવા માટે હોવી જોઈએ.

પુરુષ વગર પ્રકૃતિ અધૂરી. પ્રીતિ શાહ, પ્રીતિ સેનગુપ્તા કેમ છે ? આ હવે ના બતાવું તો પણ ચાલે. પતિનું નામ ચંદન સેનગુપ્તા અને એ એમ.એસ., એમ.બી.એ છે. એમને માટે પત્ની કહે છે, ‘મારા પતિએ મારા શોખને પોષ્યો જ નથી – પાંગરવા દીધો છે. એમાં એ ગર્વ અનુભવે છે. મને આનંદ મળતો હોય એ બાબતમાં એને પણ આનંદ જ હોય.’ સમજણ સાથેનો સંસાર તે આ. બધું જ ગમે, ના ગમે એવું કશું જ નહીં, પણ અસત્ય તો ના જ ચાલે ! રિમઝિમ વર્ષામાં મન મહાલે, તો વિચારોની ગહનતામાં ડૂબી નિત નવું પામવાની એમને સતત ઝંખના પણ રહે. પગ ચાલે ત્યાં સુધી એ પ્રવાસો કરશે, બાકી એમનું સાહિત્ય સર્જન તો અવિરત ચાલુ જ રહેશે. સાધના વગર સિદ્ધિ નથી, પ્રીતિબહેનનો આ અનુભવ અર્ક દરેકને કામ લાગે તેવો છે.

અમેરિકામાં થતી સર્જનાત્મકતા થકી એ સંતુષ્ટ છે. લેખન વૃદ્ધિ થતી રહેશે, વિષયો બદલાતા રહેશે, અને સારા સાહિત્યની નોંધ પણ લેવાશે. આ આશાવાદમાં હું આપણાં ગુજરાતે ડાયસપોરાની સોનેરી આવતીકાલ જોઈ શક્યો. પ્રીતિબહેનનાં આઠ પુસ્તકોને ગુજરાતીની સાહિત્યિક સંસ્થા તરફથી પારિતોષકો મળ્યાં છે. ‘વિશ્વગુર્જરી’ ઍવોર્ડથી 1993માં એમનું સન્માન થયું છે. નોર્થ અમેરિકાની ‘ગુજરાતી લિટરરી એકાદમી’ એનાં રજત વર્ષમાં આ સન્નારીને જ્યારે સન્માને છે ત્યારે એક ગુજરાતી તરીકે મારી છાતી ગજગજ ફૂલે છે.

અભિનંદન…સ્વનામધન્ય પ્રીતિબહેન. છે ને આ એક નાર, અજબગજબની અલબેલી….

No comments:

Free Website