Thursday, August 31, 2006

ગણપતિબાપા ...મોરિયા

આજે ગણેશ ચતુર્થીનો સુંદર દિવસ છે. વિઘ્નહર્તા શ્રી ગણેશનો આજે જન્મ દિવસ...સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. માદરે વતનથી હજારો માઈલ દૂર આ દિવસ કઈ કેટલીય યાદો આંખોની સામે ફિલ્મની પટ્ટીની જેમ લઈ આવે છે.

મને યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે ગણેશ ચતુર્થી અને સંવત્સરી મોટા ભાગે એક જ દિવસે આવે. આ વખતે એક દિવસનો ફેર છે. સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ ઘરે પહોચતા તો કેટલીય સવારીઓ પૂજ્ય ગણેશ ભગવાનની રસ્તા પરથી પસાર થાય...લોકો આનંદમાં નાચતા હોય...સુંદર મજાની મૂર્તિઓ હોય અને દરેક વિસ્તારના યુવક મંડળો વચ્ચે મૂર્તિના કદ અને ડેકોરેશનની હરિફાઈ જામી હોય એવુ લાગે.
રાતે લગભગ દરેક સોસાયટીમાં જાહેરમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન થાય. મે પોતે ઘણી બધી ફિલ્મો આવી રીતે મિત્રવર્તુળમાં રોડ ઉપર ઊભા રહીને જોઈ છે. આજે ઘણુ બધુ બદલાઈ ગયુ છે પરંતુ ઉત્સવોનો આનંદ વતનમાં આવે એવો તો બીજે ક્યાય આવતો નથી.

આ બ્લોગના દેશ વિદેશમાં વસતા વાંચકોને ગણેશ ચતુર્થી નિમિતે ઘણી જ શુભેચ્છાઓ .... આ પર્વ દરમ્યાન તમારો સમય સરસ મજાની ભક્તિમાં પસાર થાય એવી જ આશા અને સાથે જ આ પર્વ કોઈપણ પ્રકારના કોમી દાવાનળથી અસર ના પામે એવી શુભેચ્છા...

શકય હોય તો તમારા વિસ્તારના ગણેશ સ્થાપનની મૂર્તિની તસ્વીર sidshah70@gmail.com પર મોકલી આપશો તો હુ જરૂરથી પ્રસિદ્ધ કરીશ.

સિદ્ધાર્થ
http://www.sidpanna.net

Free Website