Monday, August 28, 2006

આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.

આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,
ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.

આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,
ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.

આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.

આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,
ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.

આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,
ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.

આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.

“ઊર્મિ સાગર”

Free Website