Friday, August 25, 2006

::મારો પરિચય ::

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

- બરકત વિરાણી ‘બેફામ’

પહેલા તો મારા બ્લોગની મુલાકાત બદલ આભાર..
બીજુ તમને કહેવાનુ કે આમતો મને આ બ્લોગ શરુ કરવાની ઇચ્છા ઘણા સમયથી હતી
પણ મારુ ગુજરાતીનુ અલ્પજ્ઞાન મને નડતુ હતુ...પણ આખરે હિઁમત કરી ને આ બ્લોગ શરુ કરીયુઁ

મિત્રો.. હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ... અને
મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું... અને મારો આજ
જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે...

મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે..
પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે... જો આપ સૌ મિત્રો મારા
બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ
સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું,”પેમલી ! આજ તો થાકીને લોથ થઇ ગયો છું. તું જો મને પાણી ઉનુ કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું”
પેમલી કહે – કોણ ના કહે છે ? લો પેલો હાંડો ; ઉંચકો જોઇએ !
પેમલે હાંડો ઉંચક્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે ?
પેમલી કહે – હવે હાંડો ચૂલે ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે – હવે ?
પેમલી કહે - હવે લાકડાં સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે – હવે ?
પેમલી કહે – હવે ફૂંક્યા કરો; બીજું શું ?
પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો નીચે ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો ખાળે મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે – હવે ?
પેમલી કહે – હવે નાહી લો
પેમલો નાહ્યો ને પછી કહે – હવે ?
પેમલી કહે – હવે હાંડો ઠેકાણે મૂકો
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો બોલ્યો – હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઇ ગયું ! રોજ આમ પાણી ઉનું કરી આપતી હોય તો કેવું સારું !
પેમલી કહે – હું કયાં ના પાડું છું ? પણ આમાં આળસ કોની ?
પેમલો કહે – આળસ મારી ખરી ; પણ હવે નહીં કરું.
પેમલી કહે – તો ઠીક, હવે સૂઇ જાઓ.
(આળસ કોની?)
-ગિજુભાઇ બધેકા(મૂછાળી મા)

એકલો જાને રે

રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો ...

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો ...

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! - તારી જો ...

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! - તારી જો ...

Free Website