Friday, September 01, 2006

એક શરણાઇવાળો - દલપતરામ.

એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;

એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક

શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,

ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

એક હતો રેઇનકોટ - બકુલ ત્રિપાઠી. ( 27-11-1928 )

પ્રખ્યાત હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના હીરલાસમ્ શ્રી બકુલ ત્રિપાઠી આજે આપણી વચ્ચે નથી. તેમનુ હાર્ટ એટેક થી દુઃખદ અવસાન થયુ છે. ઇશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ તથા સદગતી અર્પે અને તેમના પરિવાર- જનોને આ આઘાત સહન કરવાને શક્તિ આપે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કાજ અહીં તેમની એક કવિતા.

એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !

કૌતુક

”માછલી જેવડોયે હતો,
જ્યારે તું નાનો હતો-
પરંતુ ત્યારે તું,
મારા પેટમાં હતો!”
એને સમજાવવા માટે મેં કર્યુ,
મારા જ્ઞાનનું થોડું પ્રદર્શન-
સ્તબ્ધ થઇ ગયો એ એકદમ,
ને થોડો વિચારશીલ પણ…
ફુટી નીકળી અટકળો થોડી
એના ભોળા મુખ પર-
એને ઉકેલવા જાઉં હજી ત્યાં,
અવાજને કંઇક ગંભીર કરી
એણે મને ફરીયાદ કરી,
“મમ્મા, તું મને કેમ ખાઇ ગયેલી?”
હવે વારો મારો હતો-
સ્તબ્ધ થવાનો-
ફુટી નીકળી’તી
મારાયે ભોળા મુખ પર-
ઉત્તરની અજ્ઞાનતા!

------------------------
“ઊર્મિસાગર”

ર્દશ્યો

ર્દશ્ય

આંખની સામે ઊભરાય છે ર્દશ્યો
ર્દશ્યોનો શાંત સમુદ્ર………….
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
ર્દશ્યમાંથી અર્દશ્ય તરફ જવાની
શાંત ધીમી લાવણ્યમય ગતિ.

- અજ્ઞાત

Thursday, August 31, 2006

સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી બકુલ ત્રિપાઠીનું અવસાન
August 31st, 2006

જાણીતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના પ્રમુખ શ્રી બકુલભાઈ ત્રિપાઠીનું હાર્ટ એટેકથી દુ:ખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી હાસ્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુ પાર્થના.

જ્યારે વિધાતાએ દીકરી ઘડી

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર

સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

-અજ્ઞાત અંગ્રેજ કવિની કવિતાનો અનુવાદ મંકરદ દવે દ્ધારા ("દીકરી વ્હાલનો દરિયો" માંથી સાભાર)

ગણપતિબાપા ...મોરિયા

આજે ગણેશ ચતુર્થીનો સુંદર દિવસ છે. વિઘ્નહર્તા શ્રી ગણેશનો આજે જન્મ દિવસ...સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. માદરે વતનથી હજારો માઈલ દૂર આ દિવસ કઈ કેટલીય યાદો આંખોની સામે ફિલ્મની પટ્ટીની જેમ લઈ આવે છે.

મને યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે ગણેશ ચતુર્થી અને સંવત્સરી મોટા ભાગે એક જ દિવસે આવે. આ વખતે એક દિવસનો ફેર છે. સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ ઘરે પહોચતા તો કેટલીય સવારીઓ પૂજ્ય ગણેશ ભગવાનની રસ્તા પરથી પસાર થાય...લોકો આનંદમાં નાચતા હોય...સુંદર મજાની મૂર્તિઓ હોય અને દરેક વિસ્તારના યુવક મંડળો વચ્ચે મૂર્તિના કદ અને ડેકોરેશનની હરિફાઈ જામી હોય એવુ લાગે.
રાતે લગભગ દરેક સોસાયટીમાં જાહેરમાં હિન્દી ફિલ્મોનું પ્રદર્શન થાય. મે પોતે ઘણી બધી ફિલ્મો આવી રીતે મિત્રવર્તુળમાં રોડ ઉપર ઊભા રહીને જોઈ છે. આજે ઘણુ બધુ બદલાઈ ગયુ છે પરંતુ ઉત્સવોનો આનંદ વતનમાં આવે એવો તો બીજે ક્યાય આવતો નથી.

આ બ્લોગના દેશ વિદેશમાં વસતા વાંચકોને ગણેશ ચતુર્થી નિમિતે ઘણી જ શુભેચ્છાઓ .... આ પર્વ દરમ્યાન તમારો સમય સરસ મજાની ભક્તિમાં પસાર થાય એવી જ આશા અને સાથે જ આ પર્વ કોઈપણ પ્રકારના કોમી દાવાનળથી અસર ના પામે એવી શુભેચ્છા...

શકય હોય તો તમારા વિસ્તારના ગણેશ સ્થાપનની મૂર્તિની તસ્વીર sidshah70@gmail.com પર મોકલી આપશો તો હુ જરૂરથી પ્રસિદ્ધ કરીશ.

સિદ્ધાર્થ
http://www.sidpanna.net

સાહિત્ય સમાચાર, ઈન્ટરનેટ પર ગુજરાતી

ચંદ્રકાંત શાહ જાણવા જેવો માણસ છે. આજે ચંદ્રકાંત શાહ અને એમની કવિતા પર સરસ મઝાનો લેખ વાંચવા મળી ગયો. એટલે એમના વિષે જ વાત કરીએ.

Poetry International Webના ભારત વિભાગમાં ચંદ્રકાંત શાહ અને એમની કવિતા વિષે નાનો પણ સુંદર લેખ મૂક્યો છે. આ લેખ અને સાથેનો આ ઈંટરવ્યૂ વાંચવાથી ચં.શા.ના વ્યક્તિત્વની સારી એવી પિછાણ થાય છે.

એક બાજૂ કવિ અને બીજી બાજુ એ તખ્તાના માણસ. ‘અને થોડા સપનાં’ અને ‘બ્લૂ જીન્સ’ બે એમના કાવ્ય સંગ્રહો. એ પોતે બોસ્ટનમાં રહે છે. ‘રિઅરવ્યૂ મિરર’ એમનું સૌથી જાણીતું (અને મારું માનીતું) કાવ્ય. ‘બ્લૂ જીન્સ’ વિષે એ પોતે કહે છે, it is the first pop album of Gujarati poetry ! ‘બ્લૂ જીન્સ’ ના રુપકની મદદથી જીવનના અનેકવિધ પાસાને આ કાવ્યસંગ્રહમાં અડી લીધા છે. ‘બ્લૂ જીન્સ’ આખેઆખો કાવ્યસંગ્રહ તમે વેબ પર માણી શકો છો.

આગળ ઉપર જેની વાત કરી એ ઈંટરવ્યૂ ખાસ વાંચવા જેવો છે. પોતાની કવિતા વિષે એ કહે છે:

My poetry emerges from long drives, speeding tickets, golf lessons, river rafting, gambling on football in Las Vegas and standing endlessly on the sidewalks of Manhattan. I write while driving. The faster I drive, the better I write. Most of the Blue Jeans collection was written at the steering wheel of my Honda Accord.

આવી ખુમારી કેટલા ગુજરાતી કવિઓમાં જોવા મળશે ? એમની જ કેટલીક પંક્તિઓ અહીં માણો.

આ કાગળમાં રીપ્લાય પોષ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કાંઈ બીડું?
તું પણ મોકલ,હું ત્યાં આવું એવો જાસો,
એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું

મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા
હવે તો તું આવે તો હું બંધ કરું તને કાગળ લખવા

Permalink

ઝાકળનું હોવું
આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું

મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું

આંખ જો દેખી કે વાંચી ના શકે તો -
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું

થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું

તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું

કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું

‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

Tuesday, August 29, 2006

શબ્દ પાંખડીયો


એક ટુક્ડો આપણું આકાશ હોય બહુ થયુ ,
એક બીજા મા સતત વિશ્વાસ હોય બહુ થયુ.
સાવ નાની અમથી વાત છે બીજુ કાંઇ નથી,
હું જયાં હોઉ તમે આસપાસ હોય બહુ થયુ
નસીબ ને હથેળી ની રેખા મા શોધ્યા કરું ને,
આભા ને મુઠ્ઠી માં બંધ કરયા કરું,
કોણ જાણે આભા ની સ્વ્પનીલ આંખો માં કોણ સંતાયુ હતું?
પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે
પ્રીત નું દદૅ પણ અજીબ હોય છે,
શબ્દો મા છુપાયેલી ગઝલ હોય છે,
મૌન મા ભયાઁ હોય છે દરિયાં ઘણાં,
સ્નેહ એ જ સાચો સંબંધ હોય છે..
દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું ને ડાઘાં રહી ગયા,
કહેવા નું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
ઠંડા હ્રદય મા ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.
કદાચ મને ચાહતા ના આવડ્યું, અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,
તમારા જ સપના જોતી હતી, તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,
આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,
જાણ્યું કે તમે મારા નહી થઇ શકો, છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,
મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું.
જીવી રહી છું જીદંગી બબ્બે રીત માં થોડી ભકિત અને થોડી પ્રિત માં,
ખોયું બધું છતાં ખુશી છે એ વાત ની કે મને,
કારણ કે હિસ્સો છે મારી હાર નો તારી જીત મા,
અદ્રશ્ય રહી ગયાં રુદન મા તમે,
સામે આવ્યાં તો આવી ગયાં મારી સ્મિત મા,
ખરેખર સુષ્ટિ શબ્દની બહુ વિશાળ છે,
પણ તમે વસો છો મારા નયન મા.
ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા.
દૂર રહી ને પણ મને પાસે રહેવાની આદત છે,
અમને યાદ બની ને આંખો માંથી વહેવા ની આદત છે,
અમે પાસે ના હોવા છતાં પાસે જ લાગશું,
અમને અહેસાસ બની ને રહેવા ની આદત છે.
થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
દુ:ખ મા પણ સુખ નો અહેસાસ કરી જો જો….
ફુલો ની જેમ મસ્તક નીચાં કરી જો જો….
મટી જશે જીવન તરફ ની બધી ફરીયાદો એક વાર કોઇક ને સાચો પ્રેમ કરી જાજો.
નદી ની રેત મા રમતું નગર મળે ના મળે,
ફરી આ જીવન ધરતી પર મળે ના મળે,
કરુ છુ યાદ તમને દિલ થી, ફરી આ દિલ ધડક્તું મળે ના મળે.
વ્રુક્ષ ને પાદંડે નવરો બેઠો છે પવન,
પતંગિયા ની પાંખો માંથી ખરતાં સમય નો રંગ જોયા કરે છે
ઝરણાં સાથે વ્હયા કરતું વાંકુ ચુંકુ આકાશ,
નીરાંતે અવાજ ના પરપોટાં સાંભળ્યા કરે છે,
ખાલીપા નું કોચલુ તોડી ને પાંખ ફફ્ડાવે છે,
ત્યારે માણસ કહે છે કે હું …….”BUSY” છું.
વ્યસ્ત જીવન ને નથી ફુરસદ દિલ ને બે વાત કહેવા બચાવી રાખું,
એ જ ફિકર મા દિવસ વીતે છે કે મારા અસ્તિત્વ ને કેવી રીતે બચાવી રાખું.
લખી લેજો હથેળી મા નામ મારું,
સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.




આંસુ- બુંદ સ્વરૂપે આંખોમાંથી વ્હેતો લાગણીનો પ્રવાહ. !!

સાદગીમાં પણ સૌદયૅ હોય છે,
આંસુને ક્યા આભૂષણ હોય છે.
કહે છે વજન હોય છે,
એટલે આંસુ નીચે દડી પડે છે
પણ ખરાં વજનદાર આંસુઓ તો,
પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.

……

આ રખડતી સાંજ મારે બારણે આવી ગઇ
આંસુ થઇને યાદ તારી પાંપણે આવી ગઇ.
મેં તને ભૂલી જવાની લાખ કોશિશો કરી
યાદ તારી હરઘડીને હરક્ષણે આવી ગઇ
સ્મિત કરતું શિલ્પ હું કંડારવા મથતી રહી
જિદંગીભરની ઉદાસી ટાંકણે આવી ગઇ.

(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)




અશ્રુ

અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?
એ દોસ્ત, એ તો ખારા સમંદરની વાત છે….

- નેહા ત્રિપાઠી

Monday, August 28, 2006

આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.

આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,
ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.

આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,
ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.

આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.

આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,
ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.

આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,
ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.

આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.

“ઊર્મિ સાગર”

છો મને ન તું મળે, ન જગા તારા જગમાં મળે,
લાલસા એય નથી મને, કો’ સ્થાન તારા ઉરમાં મળે,
હા! અંતરમાં એક જ ઇચ્છા, અહર્નિશ સળવળે,
આંખો બંધ કરું હું જ્યાં, તુજ ઊર્મિનો સાગર મળે.

***

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રહી છું એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!

***

પ્રીત થઇ’તી એમની સંગ, બહુ જ સાદી ભાતથી,
આંધળી પ્રીત એમની પણ, મળી ગજા બહારથી,
સાગરની જેમ ઊર્મિ એમની, ઉમટી હ્રદયની પારથી,
મોજાંની જેમ ઉછળી અને, શાંત થઇ ગઇ જગખારથી.

***

“ઊર્મિ સાગર”

હું એકલો જ ફરૂં છું કે કોઇ દોસ્ત મળે,
હવે જગતથી ડરૂં છું કે કોઇ દોસ્ત મળે.

આ જનસમૂહની વચ્ચે કદી વિજન વાટે,
બધે જ શોધ કરૂં છું કે કોઇ દોસ્ત મળે.

મળે તો મારો કિનારો ગણી લઇશ એને,
તૂફાનમાં હું તરૂં છું કે કોઇ દોસ્ત મળે.

જીવનની રાતમાં પડતી દશા જુએ મારી,
સિતારા જેમ ખરૂં છું કે કોઇ દોસ્ત મળે.

બધાંની બંધ છે આંખો, બધાંય ઊંઘે છે,
હું સ્વપ્ન લઇને ફરૂં છું કે કોઇ દોસ્ત મળે.

કહે છે જેને બધા કેડી કલ્પનાઓની,
કદમ હું ત્યાંય ધરૂં છું કે કોઇ દોસ્ત મળે.

કોઇ તો હાથ ધરે, કોઇ તો ધરે પાલવ,
હું અશ્રુ જેમ સરૂં છું કે કોઇ દોસ્ત મળે.

ચૂંટે નહીં તો ભલે માર્ગથી ઉપાડી લે,
હું ફૂલ જેમ ખરૂં છું કે કોઇ દોસ્ત મળે.

આ અંતકાળ ન બગડે ખુદા કરે બેફામ,
ઝૂરી ઝૂરીને મરૂં છું કે કોઇ દોસ્ત મળે.

*** ઊર્મિસાગર ***

સૌજન્ય : http://urmi.wordpress.com

Free Website