Thursday, October 05, 2006

ઊંચી તલાવડી ની કોર - અવિનાશ વ્યાસ.





ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરૂ ઢાળી હાલું તો’ય લાગી નજરૂ કોની…ઊંચી…

વગડે ગાજે મુરલી ના શોર, પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

વગડાની વચ્ચે વાવડી - અવિનાશ વ્યાસ



વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે
ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઇશાની વાયરો વિંજણું ઢોળે
ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડી ના બોરા રાતા ચોળ, રાતા ચોળ સે….વગડાની…..

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડી ના નયના રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..

એક રે પારેવડું પિપળાની ડાળે
બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે
નેણલા પરોવી ને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટ્કળી
વાટ્કળી માં કંકુ રાતા ચોળ, રાતા ચોળ સે.

વગડાની વચ્ચે વાવડી ને
વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..

તારી બાંકી રે પાઘલડી - અવિનાશ વ્યાસ.

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

ગાંધીડો મારો - મોભીડો મારો - કાગ.



સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
એ…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
એ…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
એ…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
એ…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
એ…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
એ…..ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,
નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
એ…..અજીરણ થાય એવો આ’ર કરે નૈ કદી,
જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
એ…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
એ…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
એ મારા ખોળાનો ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા,
ઘડપણને પાળનારો. મોભીડો…..

Free Website