Saturday, November 18, 2006

દિવસો જુદાઈના જાય છે

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

- ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

Friday, November 17, 2006

ઘણી ઘણી હામો - લોકગીત.



સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ,
સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઇમાં મો’લ ચણાવજો રે લોલ.

સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળા રે લોલ,
સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારે જેઠ ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારે જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,
સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારો દેર ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારી દેરાણી ભલાં પણ વેગળા રે લોલ,
સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે. - સાયબા, મુને…

આજ રે સ્વપનામાં - લોકગીત.


આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો,
દહીં - દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.


લવિંગ - લાકડી ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.

પારસ પીપળો ઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.



મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર.

એલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.

મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર.

એલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.

મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર.

એલી ઘાંચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.

સાચી રે મારી સત રે ભવાની મા



સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયાલાલ,
નવ નવ નોરતાં, પૂજાઓ કરીશમા,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતા સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..

શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..

જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
હું તો તારાં વારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે…..

રંગાઇ જાને રંગમાં…..



રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

સોના વાટકડી રે - લોકગીત.



સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળિયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,


મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો - લોકગીત.




મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.

ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.

ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.

નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
ઝિલણિંયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !

લોકગીત.

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

આપણે ભરોસે - પ્રહલાદ પારેખ


આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ…

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ.

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઇ જાય સામે પાર ?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઇએ !

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

હું તો પરણી - મીરાં.


હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
વ્હાલમજી, હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
બીજાનાં મીંઢણ નહિ રે બાંધુ…..હું તો પરણી…

ચારે ચારે જુગની વ્હાલે, ચોરીઓ ચિતરાવી રે હાં ;
વ્હાલમજી, હું તો મંગળ વરતી છું બે ને ચાર…..બીજાનાં…

રાજસી ભોજન રાણા, જમવાં નથી રે ;
વ્હાલમજી, અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે….બીજાનાં…

મોતીની માળા રાણા, કામ ન આવે રે હાં ;
વ્હાલમજી, અમે તુલસીની માળા પહેરી રહીશું રે…..બીજાનાં…

હીર તણાં ચીર મારે, કામ ન આવે રે હાં ;
વ્હાલમજી, અમે ભગવાં પહેરીને નિત્ય ફરશું રે…..બીજાનાં…

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હાં ;
વ્હાલમજી, હું તો તમને ભજીને થઇ છું ન્યાલ રે…..બીજાનાં…

તું છે સૂરમય

રહેતી’તી હું,
ખુદમાં તન્મય.

દ્રષ્ટિ મળતાં,
થૈ તારામય.

નિજને ભૂલી,
થૈ ગૈ જગમય.

જડ મટીને,
થૈ ચેતનમય.

જગ બેસૂરું,
તું છે સૂરમય.

સૂરનાં તાલે,
રહું લયમય.

શોધું ખુદને,
મળું તુજ મંય.

તવ ઊરે હું,
રખડું નિર્ભય.

તું ઊર-સાગર,
હું ઊર્મિમય.

* * *


ઊર્મિસાગર

ઊગી જાય જંગલો - મણિલાલ દેસાઇ

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો થાય, અહીં કોઇ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

સાગર ભર્યો છે મારી ભીતર

શેં કહું? મેં શું ભર્યું છે મારી ભીતર?
ઊર્મિનું એક આસમાન છે મારી ભીતર.

એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં,
નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.

જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.

રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.

થોડી અડબંગ જરૂર છે મુજ ઊર્મિઓ,
પણ થોડો વિવેક ભર્યો છે મારી ભીતર.

ક્યાંથી આવતો શબ્દોનો આ પ્રકાશપુંજ?
એમ તો અંધકાર ભર્યો છે મારી ભીતર!

બહાર છોને ભાસતી ઓટ ઊર્મિઓની,
લ્યો જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.

* * *

ઊર્મિસાગર

Free Website