Saturday, November 25, 2006

રૂપજીવિનીની ગઝલ - જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

- જવાહર બક્ષી

સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમ, આકર્ષણ અને આવેગોની ઘણી રચનાઓ વિશ્વભરના સાહિત્યમાં લખાઇ છે, અને લખાતી રહેશે. પણ માનવ જીવનના આ મૂળભૂત આવેગનું જે કદરૂપું રૂપ દરેક સમાજમાં ઉપસ્યા વગર નથી રહ્યું, તેવી રૂપજીવિનીની સંસ્થા બહુ ઓછી આલેખિત થઇ છે.

લાલ બત્તી હોય પણ દિલમાં તો અંધારું હોય; કોઇ પ્રિય પાત્રની પ્રતીક્ષા નહીં પણ ઉદાસીના પ્રતિક જેવા ભૂખરા વાદળોને કોઇ ભાવ વિહોણી આંખે જોયા કરવાનું હોય ; કોઇ શીતળ જળમાં તણાતા હોય તેવો પ્રેમનો અનુભવ નહીં પણ જડ સંગેમરમરની લહેરમાં તણાવાનો અનુભવ; અગરબત્તીની સુગંધ નહીં પણ તેના અજવાળા જેવી ઉર્મિ …..

આધિભૌતિક બાબતના ઉદ્ ગાતા એવા જવાહર જ્યારે આ વાત લઇને આવે છે ત્યારે તે અભાગિણી નારીનું આક્રંદ, વ્યથા અને ખાલીપો આપણને પણ ઉદાસ અને આક્રોશિત કરી દે છે.

Tuesday, November 21, 2006

હું અને એ

જિંદગીની રફતારમાં દોડતા દોડતા, મેં જોયું
એ પણ લગભગ મારી સમાંતર જ દોડી રહ્યો હતો
અમારી નજર મળતી ને મન થતું ચાલને જીવ!
લઈ હાથ હાથમાં ગીત ગણગણીએ

ક્યારેક એની આંખ હરીફની આંખ લાગતી
હું દોડતી ને એથીય વધુ વેગે એ દોડતો
એકબીજાને માત કરવા જ જાણે અમે દોડતા

હવે અમે એકબીજાથી નજર ચૂકવીએ છીએ
એ મને ગળી જવાના પ્રયત્નોમાં રાચે છે
ને હું, હું હવે આંખ બંધ કરીને દોડું છું
દિશાશૂન્ય દોડ્યા કરું છું દોડ્યા જ કરું છું.

-મીના

Free Website