Thursday, December 07, 2006

અમારે હવે બોલવું નથી…

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન!
અમારે હવે બોલવું નથી…

લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…

ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

* * *

ઊર્મિસાગર

હૈયાના હેતને ન રોકશો - જ્યોત્સ્ના શુક્લ.

હૈયાના હેતને કદી ન કોઇ રોકશો,
રોકશો તો ઊલટાં ફસાશો, હો વહાલાં !
હૈયાના હેતને કદી ન કોઇ રોકશો.

મીઠી એ ભાવના ને આશભર્યા ઊભરા,
રોકશો તો ઊલટાં મૂંઝાશો, હો વહાલાં !

રોક્યા રોકાય નહિ, બાંધ્યા બંધાય નહિ,
ઢાંકશો તો ઊલટાં ભીંજાશો, હો વહાલાં !

કૂવાતળાવ ને સરોવરો ઉલેચશો ;
જલધિનાં નીર કેમ શોષશો ? હો વહાલાં !

ક્યાંથી આવ્યાં ને ક્યાં થોભશો, ન પૂછશો ;
સાગરનું મૂળ ક્યાં શોધશો ? હો વહાલાં !

Wednesday, December 06, 2006

દેવનાં દીધેલાં.






તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

યાદોનું રેત પંખી

જીવન રફતાર એટલી ઝડપે આગળ વધે છે કે વર્ષ વીતી જાય છે ને ખબર પણ નથી પડતી. અમૃતા પ્રિતમને આ દુનિયા છોડે વર્ષ વીતી ગયું પણ મારે માટે હજી આ ઘા લીલો છે, કદાચ આ ઘા ક્યારેય નહી રૂઝાય. સમયની રેતી ને જરીક હળવેથી પણ હટાવીશ તો આ ઘા એમનો એમ તાજો મળી આવશે.

એ રાત્રે મારું મન કારણ વિના ભારી થઈ ગયું હતું. કંઈ સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે હું સમજી નહોતી શકી કે મારી અંદર એક મૃત્યું થઈ રહ્યું છે.

વર્ષો પહેલાં હું જ્યારે અમૃતાજીને મળી હતી મેં કહ્યું હતું : “અમૃતા ! આપકે હોતે હુએ હી માનો આપકા દૂસરા જનમ હો ગયા હૈ. જબ જબ મૈં મેરે અંદર ઝાંકતી હું આપ મુજે મેરે અંદર હી મિલ જાતી હૈ.”

અમૃતાજીએ મૃત્ય પહેલાંના અંતિમ દિવસોમાં ઇમરોઝને સંબોધીને છેલ્લી નઝમ લખી હતી એનો થોડોક અંશ :
મૈં તુજે ફિર મિલુંગી

મૈં તુજે ફિર મિલુંગી
કહાં કિસ તરહ
પતા નહિં
શાયદ તેરી કલ્પનાઓ મેં
ચિત્ર બનકર ઉતરુંગી
જહાં કોરે તેરે કેનવાસ પર
એક રહસ્યમય લકીર બનકર
ખામોશ તુજે તકતી રહુંગી

ઇમરોઝે કહ્યું :
મુજે ફિર મિલેગી અમૃતા

મેરા તો કભી પુન:જન્મ પર ભરોસા નહિ રહા પર અમૃતાકા ખૂબ રહા હૈ. ઉસને અપની આખરી નઝમમેં મુજસે કહા હૈ - મૈં તુમ્હે ફિર મિલુંગી. અમૃતાકી બાત પર તો ભરોસા કર હી શકતા હું.

અમૃતા માટે ઇમરોઝે લખેલી કવિતા :

ઘોસલા ઘર

અબ યહ ઘોસલા ઘર ચાલીસ સાલ કા હો ચૂકા હૈ
તુમ ભી અબ ઉડનેકી તૈયારીમેં હો
ઇસ ઘોસલા ઘરકા તિનકા તિનકા
જૈસે તુમ્હારે આને પર સદા
તુમ્હારા સ્વાગત કરતા થા
વૈસે હી ઇસ ઉડાનકો
ઇસ જાને કો ભી
ઇસ ઘર કા તિનકા તિનકા
તુમ્હેં અલવિદા કહેગા

એ રાત્રે મારી અંદર એક ખૂણો રાખનો ઢેર બની ગયો પણ આ રાખને અડવા માત્રથી એ રાખમાંથી રેતપંખી જન્મે છે. હા ! અમૃતા અમર છે મારી યાદોમાં….

- મીના

ખોવાયો છે

મિલો વાહનો અને સ્મશાનમાંથી નીકળતો ધુમાડો
ચારે દિશાઓને કરે છે ધૂંધળી
આજ ધૂંધળાપણમાં આજનો માનવી ખોવાયો છે.

પાણીના ધસમસતા પ્રવાહની જેમ
માનવી માનવ મહેરાણમાં ખોવાયો છે.

સંધ્યા સમયે છુપાયેલા સૂર્યની જેમ
માનવી ફાઇલો અને મોબાઇલમાં ખોવાયો છે.

ઉતરાણમાં ચગતા પતંગની જેમ
માનવી સિધ્ધીઓ હાંસિલ કરવામાં ખોવાયો છે.

કાપડ બનાવવામાં વણાયેલા દોરાની જેમ
માનવી પોતે,પોતાનામાં જ ખોવાયો છે.

- જાગૃતિ વાલાણી

Monday, December 04, 2006

ભીંતે ચઢી છે -ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે

મને ઉંબરે એકલો છોડી દઈને
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે

જરા ગણગણી લઉં તમારી સભામાં
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે

- ભગવતીકુમાર શર્મા

Free Website