Friday, December 22, 2006

‘આવજો’

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

- હરીન્દ્ર દવે

‘શૂન્ય’ પાલનપુરી

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

પ્રેમ એટલે કે......

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

પ્રેમ એટલે કે...

જયશ્રી ક્રુષ્ણ

ભગવાન શ્રી ક્રુષ્ણ હંમેશથી જ સાહિત્યકારોના લાડીલા રહ્યાં છે. ગુજરાતી સહિત્યમાં ભાગ્યે જ એવો કોઇ સાહિત્યપ્રકાર હશે, જેમાં ક્રુષ્ણને સ્થાન ન મળ્યુ હોય. ક્રુષ્ણ પ્રત્યેનો પ્રેમ સાહિત્યકારોએ અલગ-અલગ રીતે વ્યક્ત થયો છે. ક્યારેક તેઓ ગોપી બન્યા તો ક્યારેક રાધા. ક્યારેક ભક્ત બન્યા તો ક્યારેક પ્રેમિકા. અરે કાલિયા નાગની નાગણ બનીને પણ તેઓએ "જળકમળ" જેવી અમર ક્રુતિ આપણને આપી છે. તો એ જ અમર ક્રુતિ સાથે આ વિષયની શરૂઆત આજ જન્માષ્ટમીના રોજ કરું છુ.

મારી પ્રિય એવી અન્ય બે રચનાઓ પણ આપને અર્પણ કરું છુ. પ્રથમ રચનામાં ક્રુષ્ણ-સુદામા મિલનનું ઉત્ક્રુષ્ટ પ્રસંગચિત્ર વર્ણવેલુ છે, જ્યારે બીજી રચનામાં ક્રુષ્ણના વિરહમાં થતી લાગણી અને તેની અસર વાંસળીના સૂર, ગોપી તથા પ્રક્રુતિ પર કેવી થાય છે તેનું સુંદર વર્ણન છે. બંને રચનાઓમાં વ્યક્ત થતાં ભાવ, લાગણી તથા શબ્દોની સુંદરતા પર વિશેષ ધ્યાન આપવા વિનંતી છે. આપ સર્વની પ્રિય રચનાઓ, પ્રતિભાવો તથા સલાહ-સૂચન આવકાર્ય છે.

http://rapidshare.de/files/29664373/Jay_Shree_Krushna.rar.html

Tuesday, December 19, 2006

અપેક્ષિત પ્રેમ

પ્રિયતમ મારા…!!
હું નથી રાધા કે નથી મીરાં!
હા, એમનો અંશ જરૂર છું હું,
પણ સાચું કહું, રાધા કે મીરાં નથી હું!
તમે જ મારા શ્યામ છો, કબૂલ!
મને પણ અનહદ પ્રેમ છે, એય કબૂલ!
હું ચાહું છું તમને અંતરનાં ઉંડાણથી, બધુંયે કબૂલ!
પરંતુ મારો પ્રેમ નિરપેક્ષ નથી…
હું ભૂલું છું મારા સમગ્ર અસ્તિત્વને તમારી અંદર,
પરંતુ મને હજી એ યાદ છે…
હું ઓગળું છું હર ક્ષણ તમારામાં જ,
પણ મને એની ખબર છે…
નથી મારો કોઇ અંકુશ મુજ હૈયે,
એ વિવશતાનીયે મને જાણ છે …

હું રહી આ યુગની પ્રેમિકા!
મારી પાસે નિરપેક્ષ પ્રેમની અપેક્ષા કાં રાખો, પ્રિતમ?!
હા, મને અપેક્ષા છે, ઘણી ઘણી અપેક્ષા…

રાધાની જેમ હું રિસાઉં કદી, તો શ્યામની જેમ મનાવો મને…
એવી અપેક્ષા છે મને…
મીરાંનાં ઝાંઝર મુજ હૈયે રણકે છે,
એ જો સાંભળો તમે તો રેલાવો તવ ઉરેથી સૂર ક્યારેક…
એવી અપેક્ષા છે મને…
તમારા પ્રેમનો ટહુકો કરે છે મારો મન-મોરલો,
તો તમેય ક્વચિત પાડો એનો પડઘો…
એવી અપેક્ષા છે મને…
લાગણીનું ઝરણું હજી વહે છે કે સૂકાય છે? ક્યારેક તો જણાવો મને?!
એવી અપેક્ષા છે મને…
મુજ હ્રદયના હર તાલ પર તવ સ્મરણનું મૃદંગ વાગે છે…
ને તમારા હ્રદયના એકાદ તાલેય શું મારું સ્મરણ જાગે છે?
જણાવો એય ક્યારેક મને…
એવી અપેક્ષા છે મને…
દિવસ-રાત જતાં નથી તમે મારા વિચારોથી ક્યાંય કદી આગળ…
ને, હું આવું છું ખરી તમારા વિચારોમાં કદી એકાદ પળ?
જાણવું છે એય બધું મારે…
એવી અપેક્ષા છે મને…

પ્રિયતમ, જુઓને… કેટલીયે અપેક્ષા છે મને…!!!
એટલે જ તો કહું છું હું,
કે મારો પ્રેમ અપેક્ષિત છે, નિરપેક્ષ નહીં…!!!!
અને મને ખબર છે…
તમને પણ છે અપેક્ષા,
કે હું સદા નિરપેક્ષ રહું!!!!!

* * *
ઊર્મિસાગર
*

મરવા પણ નથી દેતા -બેફામ

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.

* * *
Visit us for latest news and techno updates

હું ઊર્મિની એક કઠપૂતળી

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

શા હાલ થશે મુજ હૈયાનાં કદી આવશે તું જો નિકટ?
જ્યાં નામ જ તારું સાંભળી મારી ઊર્મિ બને નટખટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

જનમ જનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,
ઓ અલગારી પ્રીતની તારે, શેં કરવી નથી ખટપટ?
હું ઊર્મિની એક કઠપૂતળી…

જો, ’રે છે સદા ભરતી અહીંયા, મુજ ઊર્મિસાગર તટ,
આ ઊરસાગરનો નૃપ થઇને ય તું રહેતો કોરોકટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…


* * *

ઊર્મિસાગર

Monday, December 18, 2006

આંધળી માનો કાગળ - ઇન્દુલાલ ગાંધી.




અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે ;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

લાકડું - અવિનાશ વ્યાસ.


આ આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

માને ખોળે પડી આંખ ઊઘડી આંખો સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.

બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું.

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું.

કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો ચતુરપંખનું પાંદડું,
કહેશો ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું.

ઓશિયાળા એંશી વરસે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું.

સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
સંગ સૂતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું.

ભણેલા માણસો - સુરેશ દલાલ.

ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
બંધ બારીબારણાં.

સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર,
આપણું તો કામ નહીં.

લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ :
વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.

સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

અરુણોદય - ન્હાનાલાલ.

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે ;
ઊગે છે ઊષાનું રાજ ધીમે ધીમે ;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…..

રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે ;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…..

પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે ;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે…..
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે ;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…..

તો ઇન્સાન નીકળ્યા!

ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઇથી ન પ્રેમના અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથે લઇ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યા બિન્દુ મોતીઓ,
મારા કરમ કે આંસુઓ તોફાન નીકળ્યા.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યા પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

- અમૃત ઘાયલ

સફરનામું - અમૃતા પ્રીતમ

ગંગાજળથી વોડકા સુધી
એક સફરનામું છે મારી પ્યાસનું…
સાદા પવિત્ર જન્મનો, સાદા અપવિત્ર કર્મનો, એક સાદો ઇલાજ
અને કોઈ પ્રિય ચહેરાને કોઈ એક છલકાતા પ્યાલામાં જોવાનો પ્રયત્ન
અને પોતાના શરીરના એક બિલકુલ અજાણ્યા જખમને ભૂલવાની
જરૂરિયાત -
આ કેટલા ત્રિકોણ પથ્થરો
કોઈ પાણીને ઘૂંટડે- ઘૂંટડે ગળે ઉતાર્યા છે
કેટલાંયે ભવિષ્યોને વર્તમાનથી બચાવ્યાં છે
અને કદાચ સાંપ્રત પણ - મેં સાંપ્રતથી બચાવ્યો છે…
ફક્ત એક વિચાર આવ્યો છે
કેટલીયે વાર આવે છે
જેમ કેટલીયે વાર એક સારંગીનો ગજ -
અચાનક કોઈ રાગની છાતીમાં ભોંકાય છે.
કે ચૂપચાપ એક પિયાનો -
કાળા અને સફેદ દાંતનાં સંગીત ચાવે છે.
એક ખ્યાલ આવે છે -
પણ જેમ કોઈ મોતનો એક ઘૂંટડો ભરે
ડરે અને પછી તરત એ ખ્યાલને ઓકી નાખે….
પણ મરેલી છાતીઓમાં પણ કંઈક શ્વાસ ચાલતો હોય છે
અને અટકેલા શ્વાસ સાથે આજે હું કહી શકું છું…
કે દરેક સફર ફકત ત્યાંથી જ શરૂ થાય છે
- જ્યાં આ સફરનામાનો અંત આવે છે.

- અમૃતા પ્રીતમ
અનુવાદ - જયા મહેતા

Free Website