Thursday, October 05, 2006

ગાંધીડો મારો - મોભીડો મારો - કાગ.



સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
એ…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
એ…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
એ…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
એ…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
એ…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
એ…..ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,
નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
એ…..અજીરણ થાય એવો આ’ર કરે નૈ કદી,
જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
એ…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
એ…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
એ મારા ખોળાનો ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા,
ઘડપણને પાળનારો. મોભીડો…..

No comments:

Free Website