દિવસો જુદાઈના જાય છે
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)
2 comments:
ગનીચાચાની આ ગઝલ જેટલીવાર વાંચીએ, નવી જ લાગે અને વધુ ને વધુ જ મજા આવે...
વિવેકભાઇ...
ખુબ ખુબ આભાર તમારો, ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ પર ધબકતુ કરવા માટે આપશ્રી તથા સુરેશભાઇ અને ધવલભાઇ નો હું કાયમ ઋણી રહિશ
તમે જે યોગદાન આપો છો તે ખરેખર દાદને લાયક છે..
આભાર સહ્
Post a Comment