Saturday, November 25, 2006

રૂપજીવિનીની ગઝલ - જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

- જવાહર બક્ષી

સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમ, આકર્ષણ અને આવેગોની ઘણી રચનાઓ વિશ્વભરના સાહિત્યમાં લખાઇ છે, અને લખાતી રહેશે. પણ માનવ જીવનના આ મૂળભૂત આવેગનું જે કદરૂપું રૂપ દરેક સમાજમાં ઉપસ્યા વગર નથી રહ્યું, તેવી રૂપજીવિનીની સંસ્થા બહુ ઓછી આલેખિત થઇ છે.

લાલ બત્તી હોય પણ દિલમાં તો અંધારું હોય; કોઇ પ્રિય પાત્રની પ્રતીક્ષા નહીં પણ ઉદાસીના પ્રતિક જેવા ભૂખરા વાદળોને કોઇ ભાવ વિહોણી આંખે જોયા કરવાનું હોય ; કોઇ શીતળ જળમાં તણાતા હોય તેવો પ્રેમનો અનુભવ નહીં પણ જડ સંગેમરમરની લહેરમાં તણાવાનો અનુભવ; અગરબત્તીની સુગંધ નહીં પણ તેના અજવાળા જેવી ઉર્મિ …..

આધિભૌતિક બાબતના ઉદ્ ગાતા એવા જવાહર જ્યારે આ વાત લઇને આવે છે ત્યારે તે અભાગિણી નારીનું આક્રંદ, વ્યથા અને ખાલીપો આપણને પણ ઉદાસ અને આક્રોશિત કરી દે છે.

2 comments:

વિવેક said...

આ ગઝલ અને એની નીચેની ટિપ્પણી શ્રી સુરેશભાઈ જાનીએ લયસ્તરો પર કરી હોવાથી એમનું સૌજન્ય સ્વીકાર કર્યું હોત તો વાત વધુ મીઠી લાગત...


http://layastaro.com/?p=543

Suresh said...

તમે ગુજરાતી સાહિત્યનો વ્યાપ આ રીતે વધારો તે બહુ જ આનંદની વાત છે.
પ્ણ મારા નામનો નહીં, પણ મારા બ્લોગનો ઉલ્લેખ કર્યો હોત તો ઔચિત્ય સચવાવા કરતાં વધારે અગત્યની વાત તો એ કે, લોકોને 'લયસ્તરો' વિશે જાણવા મળત અને ગુજરાતી કવિતાનો આટલો મોટો ખજાનો તેમની સામે ખૂલી શકત.
આપણે સૌ બ્લોગરો આ વિવેક જાળવીશું તો આપણું આ સેવાકાર્ય દીપી નીકળશે અને તેનો વ્યાપ વધશે એમ તમને નથી લાગતું?

http://layastaro.com/?p=543

Free Website