અમારે હવે બોલવું નથી…
અમે આજ લગી બહુ બોલ્યાં, સજન!
અમારે હવે બોલવું નથી…
લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…
ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…
પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…
પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…
છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી,
અમારે હવે બોલવું નથી…
તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…
એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…
* * *
ઊર્મિસાગર
No comments:
Post a Comment