Friday, October 27, 2006

ઈન્ટરનેટ પર ક...ખ...ગ...

''હું તો ખોબો માગું ને દઈ દે દરિયો, સાંવરિયો રે મારો સાંવરિયો...''
આપણા કવિ રમેશ પારેખે તો સાંવરિયા અને એના વ્હાલમાં તરબોળ કોઈ કન્યાને ધ્યાનમાં રાખીને આ ગીત લખ્યું હતું, પણ અત્યારના ઈન્ટરનેટના યુગમાં, ઈન્ટરનેટનું એડ કેમ્પેઈન તૈયાર કરવાનું હોય તો કેચલાઈન તરીકે આ ગીતને કોઈ પહોંચી ન શકે. ખરેખર ગજબની દુનિયા છે ઈન્ટરનેટની. તમે ખોબો માગો અને એ દરિયાથીય વિશેષ ઘણું ઘણું દઈ દે.

શરત એટલી કે તમને ગુજરાતી સિવાયની - મોટા ભાગે અંગ્રેજી - ભાષામાં માગતાં આવડવું જોઈએ. કેમ કે ગુજરાતી ભાષામાં ખોબો માગવા જાવ - કોઈ સર્ચ એન્જિન પર જઈને - તો બે વાત બને. પહેલી તો એ કે ગુજરાતીમાં માગવું કેમ એ સમજાય નહીં. જો કોમ્પ્યુટર પર, કોમ્પ્યુટર સમજે એવી રીતે ગુજરાતી ભાષા લખતાં તમને આવડતું હોય તો બીજી વાત બને. તમે ખોબો માગો અને સામે દરિયો તો ભૂલી જાવ, ટચલી આંગળીનું ટેરવું ભીંજાય નહીં એટલુંય માંડ મળે.

ઈન્ટરનેટની મસ્ત મજાની, ઉપર કહ્યું તેમ ખરેખર ગજબની, શોધ અને શરૂઆતનાં 10 વર્ષ ઉજવાઈ રહ્યાં છે ત્યારે થોડી ગોઠડી ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ વિશે પણ કરી લેવા જેવી છે.

જુદી જુદી ભાષાઓમાં ઈન્ટરનેટ
ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા કેટલીક વિસ્તરી છે એ જાણતાં પહેલાં થોડી વાત બીજી ભાષાઓની કરી લઈએ. ઈન્ટરનેટ પરથી જ અંગ્રેજીમાં મેળવેલા આંકડાઓ અનુસાર, દુનિયાભરની કુલ વસતિના 14.6 ટકા લોકો સુધી ઈન્ટરનેટ પહોંચી શક્યું છે. ઈન્ટરનેટના કુલ વપરાશકારોમાંથી 31.6 ટકા લોકો અંગ્રેજી વેબસાઈટનો ઉપયોગ કરે છે. બીજા ક્રમે ચાઈનીઝ વેબસાઈટ આવે છે, 13.2 ટકા સાથે. ઈન્ટરનેટની ટોપ ટેન ભાષાઓમાં આ બે ઉપરાંત, જાપાનીઝ, સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ, કોરિયન, ઈટાલિયન, પોર્ટુગીઝ અને ડચ ભાષા સામેલ છે. આ સિવાયની, ગુજરાતી સહિતની ભાષાઓનો ઉપયોગ 19.5 ટકા લોકો કરે છે.

આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી મહાજાતિ હોવાનું ગૌરવ લઈએ છીએ, વિશ્વમાં ગુજરાતી ભાષા જાણતા લોકોની વસતિ છએક કરોડ હોવાનો અંદાજ છે અને સમગ્ર વિશ્વમાં સંવાદ માટેનું સૌથી સગવડીયું સાધન ઈન્ટરનેટ છે. આમ છતાં, ઈન્ટરનેટ પર ઝાઝું વપરાતી ભાષાઓમાં ગુજરાતીનું નામ ક્યાંય દેખાતું નથી.

કેમ? થોડા ઊંડા ઊતરીએ.

ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ
આપણું, માનવ જાતિનું ભાષાવિજ્ઞાન અત્યારે ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. પહેલો તબક્કો, જેમાં બોલાતી ભાષા વિકસી. બીજા તબક્કામાં ભાષા લખાવાનું અને પ્રિન્ટ થવાનું શરૂ થયું અને ત્રીજા તબક્કામાં ભાષાએ ડિજિટલ સ્વરૂપ લીધું. એ પછી તો ભાષાને કોઈ અંતરાય, કોઈ બંધન કે કોઈ સીમાડા રહ્યા નથી. નથી તેને સમયનું બંધન રહ્યું. કોમ્પ્યુટરની શોધ થઈ અને ઈન્ટરનેટનો ઉદભવ થયો એ સાથે વિશ્વની મોટા ભાગની ભાષાના વિદ્વાનોએ પોતાની ભાષાને ડિજિટલ સ્વરૂપ આપી, નવી ટેકનોલોજીનો બને તેટલો લાભ લણી લેવાની મથામણ આદરી.

ભારતીય ભાષાઓમાં પણ આ પ્રયાસો શરૂ થયા. મોટા ભાગે બને છે તેમ આ બાબતમાં પણ દક્ષિણનાં રાજ્યો આગળ રહ્યાં. ત્યાંની યુનિવર્સિટીઓમાં આ બાબતે મોટા પાયે સંશોધનો શરૂ થયાં. સ્થાનિક ભાષાઓમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શક્ય બનાવે તેવાં સોફ્ટવેર વિક્સાવવામાં આવ્યાં. બીજી ભાષાઓ સાથે સાથે ગુજરાતીને પણ લાભ મળ્યો અને ગુજરાતી ભાષાનાં સોફ્ટવેર વિકસ્યાં. પરિણામે કોમ્પ્યુટર પર ગુજરાતીનો વપરાશ સરળ બન્યો અને ગુજરાતીમાં પણ વેબસાઈટ બનવા લાગી.

દરમિયાન, જેમ અંગ્રેજી ભાષામાં મેટર કમ્પોઝ કરવા માટે ફક્ત એક જ પ્રકારનું કી-બોર્ડ વપરાય છે તેવું સ્થાનિક ભાષાઓમાં બન્યું નહીં. જુદાં જુદાં ઘણે ઠેકાણે પ્રયાસો થયા હોવાથી જુદાં જુદાં સોફ્ટવેર અને કી-બોર્ડનો વપરાશ શરૂ થયો અને ખાટલે મોટી ખોડ એ રહી કે આ જુદાં જુદાં સોફ્ટવેર વચ્ચે કોઈ સાંધામેળ નથી હોતો. મતલબ કે એક સોફ્ટવેર વાપરીને લખાયેલું લખાણ મોટા ભાગે બીજું સોફ્ટવેર 'વાંચી' કે 'સમજી' શકતું નથી. હવે તો આ દિશામાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે અને 'યુનિકોડ'નો ઉપયોગ વધી રહ્યો છે. યુનિકોડ પ્રાદેશિક ભાષાઓ માટે એવું વરદાન છે, જે ઈન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાના ઉપયોગ આડેના ઘણાખરા અંતરાય દૂર કરે છે.

ઈન્ટરનેટ પર ગુજરાતી ડાયરો
ઘણા ઈન્ટરનેટસાહસિકોએ પ્રારંભિક ઉત્સાહમાં આવીને, બધી મુશ્કેલીઓનો હલ શોધીને પણ ગુજરાતીમાં વેબસાઈટ્સ બનાવી. એટલે તો કેમછો.કોમ, મણીબેન.કોમ, અસ્મિતા.કોમ વગેરે જેવી ગુજરાતની વાત ગુજરાતી ભાષામાં માંડતી વેબસાઈટ્સ ફૂટી નીકળી. 'ફૂટી નીકળી' શબ્દપ્રયોગ બરાબર જ કેમ કે લગભગ 1999-2000ના એ સમયગાળામાં, એ સમયે જાણીતા બનેલા 'ડોટ.કોમ બબલ' શબ્દ અનુસાર, ઘણી વેબસાઈટ અને આઈટી વેન્ચરના પરપોટા ફૂટી નીકળ્યા હતા. રીડિફ.કોમ જેવા પ્રમાણમાં મજબૂત પોર્ટલના પ્રાયોજકો પણ પ્રાદેશિક ભાષા તરફ આકર્ષાયા. પહેલાં તેણે હિન્દી, તમિળ અને તેલુગુમાં પોર્ટલ લોન્ચ કર્યાં અને પછી 2000માં ગુજરાતી પોર્ટલ પણ લોન્ચ કર્યું. ઈન્ફોઈન્ડિયા.કોમ પણ ગુજરાતીમાં પોર્ટલ શરૂ કરે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. એ સમયે તો જેમ અખબારોને સેટેલાઈટ ચેનલોએ મજબૂત હરીફાઈ પૂરી પાડી તેમ ઈન્ટરનેટ પોર્ટલ સેટેલાઈટ ચેનલનું હરીફ બને તેવી હવા ઊભી થઈ હતી. પરંતુ એ બધાં અંતે પરપોટા જ સાબિત થયાં. ઈન્ફોઈન્ડિયા.કોમે ગુજરાતી સાહસ શરૂ કરવાનું જ માંડી વાળ્યું. રીડીફ.કોમે ધીમેકથી અંગ્રેજી સિવાય બીજી બધી ભાષાના વાવટા સંકેલી લીધા.

અત્યારે તમે અસ્મિતા.કોમ એડ્રેસ પર જવાનો પ્રયત્ન કરો તો આ નામ વેચાઉ છે એવો સંદેશ વેચવા મળે છે. ઘણી વેબસાઈટ ત્રિશંકુ જેવી દશામાં છે. નથી જીવતી રહી કે નથી તદ્દન મરણ પામી. શરૂઆતમાં જે કંઈ થોડું ઘણું કન્ટેન્ટ ડેવલપ કર્યું હોય તે તેમનું તેમ રહી ગયું હોય અને અત્યારે વિઝિટ કરો તો કોઈ લિંક કામ ન કરે. અપડેટ કર્યાની તારીખ બે-ત્રણ વર્ષ પહેલાંની જોવા મળે. ઈન્ટરનેટના મોકળા મેદાનમાં આવા તો કંઈક પાળિયા ખોડાઈ ગયા છે.

સાવ આવું કેમ થયું ? રીડીફ.કોમના ગુજરાતી પોર્ટલ સાથે ત્રણેક વર્ષ સંકળાયેલા જાણીતા પત્રકાર દિલીપ ગોહિલ સ્પષ્ટ કારણ આપે છે, ''એ સમયે ઈન્ટરનેટના વપરાશ અને કમાણીના જે અંદાજ બાંધવામાં આવ્યા હતા તે વધુ પડતા હતા. હકીકતમાં એટલો ઝડપી વધારો થયો નહીં. ત્યારે ઈન્ટરનેટ ઘણું મોંઘું પણ હતું. બીજું, મોટા ભાગે વેબસાઈટ બનાવનારા લોકો આ મીડિયમને સમજી જ શક્યા નથી. સ્થાનિક સ્તરે પણ ઈન્ટરનેટની ઉપયોગિતા છે, એ સમજવાને બદલે માત્ર વિદેશના ગુજરાતીઓ માટેનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થયા. રીડિફના કેસમાં, એ એક ઓર્ગેનાઈઝ્ડ એફર્ટ હોવા છતાં આખરે તો વિદેશમાં જ તેની રીડરશીપ ઊભી થઈ, જેના જોર પર અહીં આવક ઊભી થઈ શકે તેમ નહોતી.''

ગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં અને વિભાગો માટે ગુજરાતી વેબસાઈટ બનાવવાનો બહોળો અનુભવ ધરાવતી સાયબરસર્ફ નામની એક કંપનીના ડિરેક્ટર સમીરભાઈ સંઘવી કહે છે, ''મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ બિઝનેસ સ્ટ્રેટેજીના બદલે ઉત્સાહના આવેશમાં શરૂ કરાયેલાં સાહસ હતાં. ડિમાન્ડ ન હોય, માત્ર આઈડિયા હોય અને વેબસાઈટ બનાવી દેવામાં આવે તો પરિણામ આવું જ આવે.'' ડિમાન્ડનો આ મુદ્દો બહુ અગત્યનો છે. કમ સે ભારતમાં ડોટ.કોમ બબલ ફૂટી જવાનું કારણ એ જ હતું – આજે પણ ભારતમાં કુલ વસતિના 3.6 ટકા લોકો સુધી જ ઈન્ટરનેટ પહોંચી શક્યું છે.

આ કારણસર ઈન્ટરનેટ પર જાહેરખબરનું પ્રમાણ પણ નહિવત્ રહ્યું છે. હવે તેમાં સતત સુધારો જોવા મળે છે, પણ ચાર-પાંચ વર્ષ પહેલાં જ્યારે અંગ્રેજી વેબસાઈટને પણ ખર્ચ સરભર કરવાનાં સાસાં હતાં ત્યાં પ્રાદેશિક ભાષાની વેબસાઈટના તો કેવા હાલ હોય? હજી ગયા વર્ષ સુધી, ભારતમાં જાહેરખબરો પાછળ કુલ જેટલી રકમ ખર્ચાય છે તેમાંથી માત્ર 0.5 ટકા રકમ ઈન્ટરનેટના ભાગે આવતી. એટલે કે વર્ષે કુલ માત્ર 50-60 કરોડ રૂપિયા. આટલામાં કેટલીક વેબસાઈટ ઝાઝું ખેંચી શકે?

ગુજરાતની વાત, અંગ્રેજીમાં!
ઉપર જણાવેલાં ઘણાં કારણોસર ગુજરાત અને ગુજરાતી વિશે માહિતી આપતી વેબસાઈટ પણ અંગ્રેજી તરફ વળી ગઈ. ગુજરાતી ગીતો, ભજનો વગેરે ઓનલાઈન સંભળાવતી, અલગ તરેહની એક સરસ વેબસાઈટ છે, ગુજરાતઓનએર.કોમ, પણ એ પણ અંગ્રેજીમાં છે. ગુજરાત વિશે જોઈએ તેટલી માહિતી ઈન્ટરનેટ પર મળી રહે છે, પણ અંગ્રેજીમાં. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે શહેરોની આગવી વેબસાઈટ પણ છે, પણ મોટા ભાગની અંગ્રેજીમાં. આમાંની મોટા ભાગની વેબસાઈટ ઓનલાઈન શોપિંગ મોલ તરીકે એસ્ટાબ્લિશ થવા મથે છે - વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનમાં રહેતાં સ્વજનનોને આ વેબસાઈટ મારફત ભેટ-સોગાત મોકલાવે અને વેબસાઈટને કમાણી કરાવે તો કરાવે.

આવી, ગુજરાત વિશેની મોટા ભાગની વેબસાઈટ અંગ્રેજીમાં હોવાનું કારણ પણ સહેલું છે. અંગ્રેજીમાં જેટલું કન્ટેન્ટ જોઈએ તેટલું તૈયાર મળી રહે, ફક્ત કોપી-પેસ્ટ જ કરવાનું રહે. જ્યારે ગુજરાતીમાં તો... ઘણી મહેનતનું કામ છે, ભાઈ! મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ લાંબું ટકી શકતી નથી, તેમાં આ 'મહેનત'નો ફાળો ઘણો મોટો છે. રીડિફ.કોમે ગુજરાતીમાં પોર્ટલ ચાલુ કર્યું ત્યારે શીલા ભટ્ટ અને દિલીપ ગોહિલ જેવા જાણીતા ગુજરાતી પત્રકારોની ફૂલટાઈમ મદદ લીધી હતી અને પોર્ટલને સમૃદ્ધ કરવા માટે 25 જેટલા જાણીતા લેખકો પાસેથી નિયમિત લખાણ મેળવવામાં આવતું હતું. એ દૃષ્ટિએ રીડિફનું ગુજરાતી વર્ઝન ફૂલફ્લેજ અખબાર કે સામયિક જેવું જ હતું. બીજી લગભગ કોઈ ગુજરાતી વેબસાઈટ આટલો ખર્ચ કરી શકે તેમ નહોતી. પરિણામે વેબસાઈટની બધી જવાબદારી ભાષા અને રજૂઆતના જાણકારોના બદલે આંધળૂંકિયાં કરીને ભરાઈ પડેલા બિઝનેસમેનના માથે જ રહી. આ કારણે મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ સૂરસૂરિયાં પૂરવાર થઈ.

ગુજરાતી વેબસાઈટ્સમાં ડોકિયું
જે થોડી ઘણી ગુજરાતી વેબસાઈટ ઈન્ટરનેટ પર જીવિત રહી શકી છે તેમાંની ઘણી ખરી ગુજરાત સરકારની વેબસાઈટ્સ છે, જેમાંની ગુજરાતી ભાષા વિશે જેટલું ઓછું લખીએ એટલું સારું છે. અપવાદરૂપે, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) નામની ગુજરાત સરકારે રચેલી એક સ્વાયત્ત સંસ્થાએ ગુજરાતમાં પાણી અને સ્વચ્છતા વિશેની માહિતીનું લગભગ પોર્ટલ કહી શકાય એવી એક વેબસાઈટ તૈયાર કરી છે અને તેમાં, ફરી અપવાદરૂપે, વિષય નિષ્ણાતો ઉપરાંત ભાષા અને રજૂઆતના અનુભવીઓની પણ મદદ લીધી છે (www.guj.wasmo.org). એ સિવાય, અખબારો અને સામયિકોની ગુજરાતી વેબસાઈટ જોવા મળે છે. તેમાં પણ, પ્રિન્ટમાં જેવી ગુણવત્તાનું અખબાર કે સામયિક, એટલી જ સારી કે નબળી ગુણવત્તાની એમની વેબસાઈટ એવું સાદું ગણિત સાબિત થતું જોવા મળે છે.

હા, ધાર્મિક સંસ્થાઓની વેબસાઈટ પણ મોટા ભાગે અંગ્રેજીમાં જોવા મળે છે. તેમાં એક સુખદ અપવાદ www.swargarohan.org છે. આ વેબસાઈટ પણ યુનિકોડમાં તૈયાર થઈ છે અને ઘણા મોટા પ્રમાણમાં ધાર્મિક અને ચિંતનશીલ સાહિત્ય ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવી આપે છે. ગુજરાતી ભાષાના ચાહકો માટે જોડણીકોશ માઉસવગો કરી આપતી એક બહુમૂલ્ય સાઈટ છે - www.gujaratilexicon.com.

આ આખી કહાણીમાં એક રસપ્રદ ટ્વીસ્ટ પણ છે. જેમણે કમાણીના બદલે નિજાનંદ માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું તેઓ લાંબું ખેંચી ગયા. જેમ કે ફિલાડેલ્ફિયામાં રહેતા કિશોર રાવળ નામના એક સાહિત્યરસિકે www.keshuda.com નામે વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર વાર્તા, લેખ, વાનગી, કવિતા, કલાને લગતા લેખ વાંચી શકાય છે. બને તેટલા ઓછા ખર્ચે, આકર્ષક વેબડિઝાઈનની માથાકૂટમાં પડ્યા વિના બનાવવામાં આવેલી આ વેબસાઈટનું જમાપાસું તેનું લખાણ છે. 1999માં શરૂ થયેલી આ વેબસાઈટ 2005નું વર્ષ જોઈ શકી છે અને, વેબસાઈટના મીટર પ્રમાણે અત્યાર સુધીમાં તેને લગભગ અડધા લાખ લોકો જોઈ ચૂક્યા છે.

વડોદરામાં રહેતા મૃગેશભાઈ શાહે http://www.readgujarati.com નામે એક માસિક વેબમેગેઝિન શરૂ કર્યું છે. પ્રોફિટના ધ્યેય વિના, સમાજ માટે કંઈક ઉપયોગી, સારું વાંચન આપવાના આશયથી શરૂ કરવામાં આવેલું આ વેબમેગેઝિન અત્યાર સુધીમાં પાંચ હજાર લોકો સુધી પહોંચી શક્યું છે. પ્રિન્ટમાં 'ઠીકઠીક' કહી શકાય એવું સામયિક શરૂ કરવા માટે પણ લાખોની મૂડી જોઈએ, જ્યારે ઈન્ટરનેટ તેનાથી બહુ ઓછા ખર્ચે પોતાનું સામયિક શરૂ કરવાનો સંતોષ આપે છે. મૃગેશભાઈ આ તકનો સરસ ઉપયોગ કરી શક્યા છે. www.zazi.com પણ આવું એક ઉદાહરણ છે.

નિજાનંદ માટે અને વિદેશમાં રહીને પણ માતૃભાષાનો મીઠો સંપર્ક જાળવી રાખવા માગતા લોકો માટે 'બ્લોગ' ઉપકારક છે. અંગ્રેજીમાં તો બ્લોગિંગની પ્રવૃત્તિ ઈતિહાસ અને સાથોસાથ ભવિષ્ય સર્જી રહી છે, હવે ગુજરાતીમાં પણ આવા બ્લોગ શરૂ થયા છે. એન્જિનીયરિંગ અને ડોક્ટરીમાં ગળાડૂબ હોવા છતાં કેટલાક ભાષાપ્રેમી ગુજરાતીઓએ ગુજરાતી સાહિત્યના તેમના શોખને જીવંત રાખવા ગુજરાતી ગીતો અને કવિતાઓને પોતાના બ્લોગમાં મૂકવાની હોબી કેળવી છે. www.dhavalshah.com/layastaro/, http://vmtailor.blogspot.com/, kathiawadi.blogspot.com, sv.typepad.com/guju,/ ashok3b.blogspot.com/, http://shabdpreet.blogspot.com/ વગેરે ગુજરાતી બ્લોગની સંખ્યા વધી રહી છે, પરંતુ એમની પહોંચ પણ બહુ સીમિત રહી છે. માઈક્રોસોફ્ટની www.bhashaindia.com પર પણ ગુજરાતીમાં ચર્ચા કરનારા લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે - ધીમે ધીમે!

એટલું સખેદ નોંધવું જ રહ્યું કે તમિલ, તેલુગુ, હિન્દી વગેરે ભાષામાં ઈન્ટરનેટનો જેટલો વપરાશ અને એ માટેની સજ્જતા જોવા મળે છે એટલી ગુજરાતીમાં જોવા નથી જ મળતી. હજી તો આપણે ઈન્ફર્મેશન ટેકનોલોજી એટલે ઈન્ટરનેટ એવી ટૂંકી અને ખોટી સમજમાંથી જ બહાર આવ્યા નથી. ભાષાનું ગૌરવ, જિજ્ઞાસા, ટેકનોલોજીની સમજ... એ બધું વિકસશે ત્યારે કંઈક મેળ પડે એવું લાગે છે.

ઈન્ટરનેટ પર ગુજરાતીનું વજન કેટલું?
ઈન્ટરનેટના ઓટલે આપણે ગુજરાતીઓ કેટલુંક સ્થાન મેળવી શક્યા છીએ, તે આ ઉદાહરણ પરથી ખબર પડશે. ઈન્ટરનેટના વપરાશકારો મોટા ભાગે જાણતા જ હશે કે ઈન્ટરનેટ પર વીકિપીડિયા.ઓઆરજી નામે એક નિઃશુલ્ક, મહાવિશ્વજ્ઞાનકોષ તૈયાર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. જેને મન થાય, જે ભાષામાં મન થાય એ ભાષામાં લેખ મોકલી શકે એવું આ અભિયાન છે. 2001માં બે સાહસિકોએ તેની શરૂઆત કરી. ડિસેમ્બર 2004 સુધીમાં તેમાં 13,000 લોકો સક્રિય યોગદાન આપવા લાગ્યા. તેમાં 100થી વધુ ભાષામાં 18 લાખથી વધુ લેખ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી સાતેક લાખ લેખ અંગ્રેજીમાં છે. હિન્દી, મરાઠી, તમિલ અને તેલુગુ ભાષામાં તેમાં 1,000થી વધુ લેખ છે. સંસ્કૃતમાં પણ 602 લેખ છે અને ગુજરાતીમાં? ના, બિલકુલ નથી એવું નથી, 149 લેખ તો છે.

બીજું એક ઉદાહરણ. ઈન્ટરનેટ પર ગુગલમાં પ્રાદેશિક ભાષામાં માત્ર યુનિકોડની મદદથી સર્ચ કરી શકાય છે, મતલબ કે યુનિકોડમાં તૈયાર થયેલી વેબસાઈટનો અંદાજ મળી શકે. પરંતુ એ વાત બધી ભાષાને લાગુ પડતી હોવાથી એક ટ્રેન્ડ તો ચોક્કસ પકડી શકાય. હવે ધ્યાનથી વાંચજો - આ સર્ચ એન્જિનમાં હિન્દી ભાષામાં ભારત લખીએ તો 0.12 સેકન્ડમાં અઢી લાખ વેબપેજનું લિસ્ટ તૈયાર થાય છે. અંગ્રેજીમાં ગુજરાત લખીને સર્ચ કરીએ તો 0.10 સેકન્ડમાં 21 લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. અને ગુજરાતીમાં ગુજરાત લખીને સર્ચ કરીએ તો ગણીને 315 વેબપેજ મળે છે.

હવે તમે જ નક્કી કરો કે વિશ્વની આજ અને આવતીકાલ જેના પર નિર્ભર છે તે ઈન્ટરનેટ પણ આપણી ભાષા અને આપણે ક્યાં છીએ ?
--------------------------------------------------------
(નોંધઃ કેટલીક ખાસ નોંધવા જેવી, ગુજરાતી વેબસાઈટ કે બ્લોગનો ઉલ્લેખ અહીં રહી ગયો હોય એ તદ્દન શક્ય છે. આવી, સારી વેબસાઈટ સહેલાઈથી સર્ચ કરી શકાતી નથી અને લોકોની ઝીણી નજરની પણ બહાર રહી જાય છે એ પણ પ્રાદેશિક ભાષામાં ઈન્ટરનેટ વપરાશની એક મર્યાદા બતાવે છે.)

- હિમાંશુ કીકાણી

No comments:

Free Website