Friday, October 27, 2006

આપણી ગુજરાતી ભાષામાં આઈ.ટી.

ગુજરાતી ભાષામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીનું ભાવિ કેવું? આ સવાલ ખરેખર તો એમ પૂછાવો જોઈએ કે ગુજરાતી ભાષામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીનો સાચો ઉપયોગ ક્યારે?

આપણી ભાષામાં આપણે આઈટીનો ઉપયોગ તો શરૂ કર્યો છે, પણ હજી બહુ સીમિત હદે. ખરેખર તો અંગ્રેજીમાં પણ આઈટી કે ઈન્ટરનેટનો હજી આપણે પૂરેપૂરો ઉપયોગ કરતા થયા નથી. જે કંઈ વપરાશ છે તે દેખાવ પૂરતો કે હાઈપ જેવો છે, ઘર ઘરમાં ગૃહિણીઓ કે વડીલો ઈન્ટરનેટના રીયલ પોટેન્શિયલનો લાભ લેતા થાય એ દિવસો હજી બહુ દૂર છે.

આ સાથે જ એ વાત પણ નક્કી છે કે જો આપણી પોતાની માતૃભાષામાં આઈટી કે સાદી ભાષામાં કહીએ તો ઈન્ટરનેટની સેવા ઉપલબ્ધ થાય તો તેનો સાચો લાભ લેવાના દિવસો નજીક પણ આવી જાય. દુનિયાભરમાં અંગ્રેજી ઉપરાંત જે તે સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટનો વપરાશ છે જ. ખાસ કરીને યુરોપીયન દેશોમાં તો સેંકડો વેબસાઈટ જે તે દેશની સ્થાનિક ભાષામાં જ જોવા મળે છે. ત્યાં અંગ્રેજી ભાષાનો કોઈ મોહ કે ક્રેઝ નથી. જેમ જેમ વધુ ને વધુ લોકો સુધી ઈન્ટરનેટ પહોંચશે તેમ તેમ સ્થાનિક ભાષામાં તેનો વપરાશ વધવાનો જ એ બિલકુલ સ્પષ્ટ વાત છે.

એ જોતાં, આજે ભલે ગુજરાતી ભાષામાં બહુ ઓછી વેબસાઈટ જોવા મળતી હોય, આવનારા સમયમાં તેની સંખ્યા વધવાની અને ઉપયોગ પણ વધવાનો એ ચોક્કસ છે. સવાલ માત્ર ક્યારે એટલો જ છે. આપણે એ સમય વહેલો લાવવા શું કરી શકીએ એ પણ મહત્ત્વનું છે.

ગુજરાતીમાં વેબસાઈટનો ઉપયોગ સફળ ક્યારે થયો ગણાય? એનો લિટમસ ટેસ્ટ એ કહી શકાય કે ઘર ઘરમાં ઝાઝું અંગ્રેજી ન જાણતી બહેનો સુધી ઈન્ટરનેટનો લાભ મળતો થાય ત્યારે ગુજરાતીમાં આઈટીનો સાચો ઉપયોગ થયો ગણાય.

જોકે આ તો આદર્શ સ્થિતિની વાત છે. આવી સ્થિતિએ પહોંચતાં પહેલાં આપણે એ પણ સમજવું જોઈશે કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એટલે માત્ર ઈન્ટરનેટ કે વેબસાઈટ નહીં. તેમાં બીજી પણ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આપણે તબક્કાવાર સમજીએ.

સૌથી પહેલાં ઈન્ટરનેટના વપરાશની વાત લઈએ. ઈન્ટરનેટનો સૌથી વ્યાપક ઉપયોગ છે ઈ-મેઈલ માટે. અત્યારે બને છે કે એવું કે અમેરિકામાં રહેતાં આપણાં માસી અને ઈન્ડિયામાંનાં આપણાં મમ્મીને ઈન્ટરનેટથી સંપર્કમાં રહેવું હોય તો બંનેએ એમના દીકરા-દીકરી કે પૌત્ર-પૌત્રીની મદદ લેવી પડે છે. એ લોકો પણ મોટા ભાગે ગુજરાતીમાં કોમ્પ્યુટરમાં પત્ર ટાઈપ કરી શકતા નથી, એટલે અંગ્રેજીમાં મેઈલ થાય. તમે જ વિચારો, એ રીતે, જૂની પેઢીનાં બે બહેનોને એકમેકને પત્ર લખ્યાનો સંતોષ થાય ખરો?

ટેકનોલોજી તો આપણી મદદે છે જ, આપણે અત્યારે તેનો લાભ લઈ શકતા નથી. એ માટે સૌથી પહેલાં તો જેટલું સહેલાઈથી અંગ્રેજીમાં મેટર કમ્પોઝ કરી શકાય છે એટલી જ સરળતાથી ગુજરાતીમાં લખી શકાવું જોઈએ. એવી સરળતા લગભગ આવી ગઈ છે, પરંતુ એ માટે જુદા જુદા પ્રકારના ઘણા પ્રોગ્રામ વપરાતા હોવાથી બધાં કોમ્પ્યુટરમાં એક સરખો વપરાશ અત્યારે શક્ય નથી. આ માટે યુનિકોડ નામની એક વ્યવસ્થા અત્યારે ડેવલપ થઈ રહી છે (આ બ્લોગ તમે યુનિકોડમાં જ વાંચો છો). એક કે વધીને બે વર્ષમાં તે વ્યાપક બની જતાં, બધાં જ કૉમ્પ્યુટરમાં તેનો એકસરખી સરળતાથી ઉપયોગ શક્ય બનશે.

ગુજરાતીમાં કોમ્પ્યુટરમાં યુનિફોર્મ ઢબે લખી-વાંચી શકાય એવી સ્થિતિ શક્ય બન્યા પછી બીજો મુદ્દો આવે છે આપણી જ ભાષામાં ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ કરી આપે તેવી વેબસાઈટ કે પોર્ટલ તૈયાર કરવાનો. જેમ અંગ્રેજી છાપાંઓની સાથોસાથ કે તેના કરતાં પણ વધુ સંખ્યામાં સ્થાનિક ભાષાનાં અખબારો વેચાય અને વંચાય છે એ જ રીતે, અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વેબસાઈટ વધુ પસંદ કરનારા લોકોનો પણ એક મોટો વર્ગ હશે.

ગુજરાતીમાં વેબસાઈટ કે પોર્ટલ તૈયાર કરવાના ઘણા પ્રયાસો થયા છે, પરંતુ એ મોટા ભાગે કંઈક નવું કરવાના ઉત્સાહથી શરૂ થાય છે. આવી પૅશનના કારણે વેબસાઈટ તૈયાર તો થઈ જાય, પણ સામે લોકોમાં તેની ડિમાન્ડ ન હોવાથી તે સસ્ટેઈન ન થઈ શકે. અત્યારે આઈડિયા સૂઝે એટલે વેબસાઈટ બને છે. તેના બદલે ખરેખર, જરૂરિયાત હોય - ડિમાન્ડ હોય એટલે અને એવી વેબસાઈટ બનવી જોઈએ. એ માટે વેબસાઈટમાંથી લોકોને કંઈક વેલ્યૂ મળવી જોઈએ, લોકોમાં તેની ઉપયોગિતા હોવી જોઈએ. આવી ઉપયોગિતા વેબસાઈટ સાથે કંઈક સર્વિસ-સેવા પૂરી પાડીને કે લોકો ઈચ્છતા હોય તેવું કન્ટેન્ટ આપીને ઊભી કરી શકાય. દાખલા તરીકે કેનેડામાં વસતા કોઈ પરિવારને અમદાવાદ કે આણંદમાં લગ્નનો હૉલ બુક કરાવવો હોય તો એમને એ સેવા ઈન્ટરનેટ પરની ગુજરાતી વેબસાઈટ પરથી મળવી જોઈએ. એ માટે લોકોને ગુજરાતી વેબસાઈટ તરફ વાળવા જોઈએ.

આવું કઈ રીતે કરી શકાય? એમ લાગે છે કે આપણે અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું ફ્યૂઝન કરી શકીએ. જેમ વેસ્ટર્ન અને ક્લાસિકલ મ્યુઝિકના ફ્યૂઝન પછી વધુ લોકોને ક્લાસિકલ મ્યુઝિકની મહત્તા સમજાઈ છે, તેમ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો ઉપયોગ વધારી શકાય.

બીજું, આગળ કહ્યું તેમ વેબસાઈટને યુનિકોડ જેવી કોઈ વ્યવસ્થાથી સ્ટાન્ડર્ડાઈઝ્ડ કરવી જોઈએ. એમ કરવાથી લોકોને ગુજરાતી ભાષામાં સર્ચ કરવાની સુવિધા પણ મળશે. અત્યારે ગુગલના કારણે ઈન્ટરનેટ પરથી આપણને જોઈતી માહિતી સર્ચ કરવી બહુ સરળ બની છે. ખરેખર તો ગુગલ જેવા સર્ચ એન્જિનના કારણે જ ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. જો આપણે આવા સર્ચ એન્જિનમાં સીધો જ કોઈ ગુજરાતી શબ્દ ટાઈપ કરીને તેને લગતી માહિતી ધરાવતી ગુજરાતી વેબસાઈટ શોધી શકીએ તો કેટલી બધી સરળતા થઈ જાય? આ કામ સરકાર કરી શકે. આપણી પાસે ગુજરાતીમાં પાર વગરનું કન્ટેન્ટ - માહિતી તો છે જ, માત્ર એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ઈન્ટરનેટ પર મૂકવાનો સવાલ છે.

એ કરવું પણ સહેલું છે. અમારી દ્ષ્ટિએ સૌથી મહત્ત્વનો ઉપાય છે શાળાનાં બાળકોને ગુજરાતીમાં ઈન્ટરનેટ માટે કન્ટેન્ટ ડેવલપ કરતાં શીખવવાનો. આજે શાળામાં એક વિષય તરીકે કોમ્પ્યુટર શીખવવામાં આવે છે, પણ ગુજરાતી માધ્યમનાં બાળકો પણ કોમ્પ્યુટર શીખે છે અંગ્રેજીમાં. જો શાળાઓમાં યુનિકોડ જેવા વિશ્ર્વસ્તરે પ્રચલિત, એક સમાન સ્ટાન્ડર્ડ અનુસાર કોમ્પ્યુટરમાં ગુજરાતીનો ઉપયોગ શીખવવામાં આવે, બાળકોને જુદા જુદા વિષયો પર કોમ્પ્યુટરમાં ગુજરાતીમાં કન્ટેન્ટ તૈયાર કરવાના પ્રોજેક્ટ આપવામાં આવે તો કેટલું બધું કન્ટેન્ટ તૈયાર થઈ શકે?અ મારા મતે તો આ રીતે ઈન્ટરનેટ પર ગુજરાતીમાં માહિતીનો વિસ્ફોટ સર્જાય.

ઈન્ટરનેટ પર અત્યારે `બ્લોગ' મૂકવાની એક રસપ્રદ પ્રવૃત્તિ ચાલે છે. `બ્લોગ' એટલે સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ બાબત પર તમને જે વિચારો સૂઝે તે ઈન્ટરનેટ પર મૂકવાની પ્રવૃત્તિ. અમદાવાદમાં ખાડા-ખબડાવાળા રસ્તા સામે તમને અકળામણ થાય તો તે વિષે `બ્લોગ' તૈયાર કરીને તમે ઈન્ટરનેટ પર મૂકી શકો. આ રીતે શાળાનાં બાળકોમાં 'બ્લોગ' બનાવવાની ટેવ કેળવવામાં આવે તો તેના બહુ ક્રિયેટિવ ઉપયોગ થઈ શકે. એક રીતે આ રોજનીશી જ છે, જેને તમે દેશ-દેશાવરમાં બેઠેલા મિત્રો સાથે શૅર કરી શકો, અને મિત્રો તેનો તરત ફિડબૅક આપી ચર્ચા પણ ચલાવી શકે.

આ બધું જ કરવું સરળ છે. માત્ર આપણને તેના પોટેન્શિયલની પૂરતી જાણકારી નથી. ગુજરાતી પુસ્તકોનાં સરસ ટાઈટલ તૈયાર કરવા માટે જાણીતા અપૂર્વ આશર જેવા લોકો ગુજરાતીમાં કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ઘણા ઊંડા ઊતર્યા છે, પરંતુ તેની સમજ કે કદર બહુ ઓછા લોકોને છે.

આ તો માત્ર ઈન્ટરનેટની વાત થઈ. આઈટીના બીજા લાભની વાત કરીએ, તો આપણા ગુજરાતીઓ હવે ચીન સાથે ઘણો વેપાર કરતા થયા છે. તેમને ભાષાની મોટી મુશ્કેલી નડે છે. ગુજરાતી અને ચાઈનીઝ ભાષા વચ્ચે અંગ્રેજી સેતુ બને અને તેમાંય ઘણી વાર ગોટાળા ઊભા થાય. આઈટીનો ઉપયોગ કરીને સીધું જ ગુજરાતીમાંથી ચાઈનીઝ ભાષામાં ભાષાંતર કરવાની સગવડ કેમ ન થઈ શકે?

હવે તો ઘણાં સારાં અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ થાય છે. એ પુસ્તકો અને બીજાં ગુજરાતી પુસ્તકો ઈન્ટરનેટ પર થોડું લવાજમ ચૂકવીને વાંચી શકાય એવી વ્યવસ્થા થઈ શકે.

અંગ્રેજીમાં કેટલીક `ઑડિબલ' વેબસાઈટ હોય છે, જેના પર તમે સારાં અંગ્રેજી પુસ્તકો `સાંભળી' શકો. અંગ્રેજીનાં સારાં પુસ્તકોનો સીધો શ્રાવ્ય ગુજરાતી અનુવાદ તૈયાર કરી શકાય. તેમ, ઉમાશંકર જોશીનાં કાવ્યોનો કોઈના કંઠે કે કવિ રાજેન્દ્ર શુક્લનાં લયબદ્ધ કાવ્યો એમના પોતાના ઘેઘૂર કંઠમાં માણી શકાય.
હમણાં આપણા ગુજરાતમાં જ આવી એક બહુ સુંદર, સમાજોપયોગી પહેલ થઈ છે. નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશને, અંધજન મંડળના સહયોગમાં જાણીતા સાયન્સ મેગેઝિન `સફારી'ની રસપ્રદ માહિતીને ઑડિયો સીડી રૂપે તૈયાર કરી છે. અંધજનોએ આ પ્રયોગને ગજબના ઉત્સાહથી વધાવી લીધો છે.

આપણે ગુજરાતીઓ નવી નવી વાનગીઓનો ટેસ્ટ કરવાના કે નવાં નવાં સ્થળો જોવાના તો ઘણા શોખીન છીએ, પણ નવી નવી ટેકનોલોજી વિકસાવવામાં કે તેના નવા નવા ઉપયોગ શીખવામાં આપણે ઘણા પાછા પડીએ છીએ.

એક વાર પ્રયત્ન કરી જૂઓ, આપણી પોતાની ભાષામાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના અગાધ ઉપયોગ છે અને તેની મજા કંઈક જૂદી જ છે.

તમે આ વિશે શું વિચારો છો? ભલે અંગ્રજીમાં, પણ અમને લખી મોકલો

- સમીર સંઘવી અને હિમાંશુ કીકાણી
-------------------------------------------------------------------------------
(શ્રી સમીર સંઘવી ગુજરાતી ભાષામાં ઈન્ફર્મેશન સોફ્ટવેર અને વેબસાઈટ્સ બનાવવાનો બહોળો અનુભવ ધરાવે છે)

No comments:

Free Website