કવિતાનો અનુવાદ - કે. સચ્ચિદાનન્દન
થોડા દિવસ પહેલા મુંબઈ યુનિવર્સિટીએ યોજેલા એક કાર્યક્રમમાં જવાનું થયું. મારી મિત્ર ડૉ. ઉર્વશી પંડયાએ આપણા કવિ શ્રી દિલીપ ઝવેરી સાથે મારી ઓળખાણ કરાવી સાથે એક બીજા કવિ. શ્રી કે. સચ્ચિદાનન્દનને પણ મળી. આપણા દેશના મલયાળમ કવિ છે. એમના કાવ્ય સંગ્રહનો જર્મન ભાષામાં અનુવાદ થયો એના આનંદ, અભિવાદન માટેનો આ કાર્યક્રમ હતો. કવિને મળી ત્યારે મારા માટે સાવ અજાણ હતા. પરિચય પણ આછો-પાતળો જ થયો. ને છતાંય આજે એમને વાંચતાં એવું નથી લાગતું કે હું એમને નથી ઓળખતી. કવિતા પ્રત્યેની એમની અભિવ્યક્તિ અદભૂત છે. એમને કવિતાની દરેક પંક્તિ ક્ષુદ્ર, દુ:ખ અને અણગમાને ક્ષીણ કરતો રસ્તો લાગે છે ને આ ગલી સંગીતમય લાગે છે જ્યાં અનશ્વર મનુષ્ય, ઈશ્વર અને વૃક્ષ ઘૂમી રહ્યા છે. એમની એક કવિતા ‘કવિતાનો અનુવાદ’ અહીં આપ મિત્રો સમક્ષ મૂકતા આનંદ થાય છે. આ કવિતાનો ગુજરાતીમાં અનુવાદ સુશ્રી શકુંતલા મહેતાએ કર્યો છે.
કવિતાનો અનુવાદ
કાયાપલટ છે
જેમ માછલી તરે છે પાણીની અંદર-અંદર
અનુવાદક મસ્તિકોમાં તરે છે, એ બેસે છે
ઝુકેલો રેતી ઉપર, દરેક શબ્દોને કિનારે
દરેક છીપનો રંગ પારખતો -
પારખતો દરેક શંખનો અવાજ
કવિતાનો અનુવાદ છે ઉતાવળે
માથું બદલવાનો, વિક્રમાદિત્યની કથાની જેમ
અનુવાદક મૂકે છે બીજા કવિનું માથું
પોતાનાં ધડ પર
દરેક પંક્તિ છે એક રસ્તો
એક ક્ષીણ થતો
ક્ષુદ્ર, દુ:ખ અને અણગમાથી
એ છે એક ગલી સંગીતમય
જેમાં ઘૂમે છે અનશ્વર મનુષ્ય, ઈશ્વર અને વૃક્ષ
જયાં થંભે છે એક પંક્તિ એક ખાઈ ખૂલે છે
ત્યાં મૃતાત્મા પોતાની તરસ છિપાવવા આવે છે
જે આ પવિત્ર રસ્તા પર આવે
ઉતારી દે પોતાનાં ચંપલ અને કપડાં
ખીણની હવાની જેમ વહે
નગ્ન અને ઝુકેલા
એક દિવસ, મેં સ્વપ્ન જોયું
હું મારી કવિતાનો અનુવાદ કરી રહ્યો હતો
મારી જ ભાષામાં
આપણે સર્વે અનુવાદ કરીએ છીએ
દરેક કવિતાનો આપણી પોતીકી ભાષામાં, પછી
ઝગડીએ છીએ તેના અર્થ વિશે
મને લાગે છે
બાબેલનો* મિનારો ક્યારેય પૂરો નહીં થાય.
*બાબેલ : બાઈબલમાંથી દષ્ટાંત. બેબિલોનમાં નોહા રાજ્યનાં વંશજો સ્વર્ગને આંબી શકે તેવો બાબેલ નામનો મિનારો બાંધતાં હતા.
મીના છેડા