Thursday, November 30, 2006

ગુજરાતી નેટ જગત - બીજી આવૃત્તિ - ફેરફાર અને સુધારા વધારા સાથે

અરે કાર્તિક! આ બ્લોગ શું ચીજ છે? “ – રમેશભાઇ ઘેર આવતાંની સાથે જ બોલ્યા.
”કેમ પપ્પા? “
“ આજે પાર્કમાં અમારી મંડળીના પેલા જીતુભાઇ વાતો કરતા હતા. કોમ્પ્યુટરમાં રોજ નવી વાર્તાઓ અને કવિતાઓ અને જોક અને એવું બધું તે તો વાંચે છે. તેમનો દીકરો છે ને રાકેશ; તેણે તેમને બધું શીખવાડ્યું છે. તું ય આ બધું મને શીખવાડ .” – રમેશભાઇ ઉત્સાહથી બોલ્યા.
છેવટે કાર્તિક અને રમેશભાઇ વચ્ચે શનિ રવિમાં આ જુની આંખે નવા તમાશા જોવાનો એગ્રીમેન્ટ થઇ ગયો. અને અઠવાડીયામાં તો રમેશભાઇ જ નહીં પણ કાર્તિકનાં મમ્મી પણ રોજ બ્લોગ વાંચવા લાગ્યા !ઘેર ઘેર હવે આવી વાતો થવા માંડી છે. એક નવી વાંચન ક્રાંતિ જન્મ લઇ ચૂકી છે.

ચાલો આપણે પણ આ બાબતમાં કંઇક જાણીએ.

સપ્ટેમ્બર – 1999 માં અમેરીકામાં શ્રી. કિશોર રાવળે ઇન્ટરનેટ પર ગુજરાતી વાંચનને વહેતું મૂક્યું હતું. તેમના જ શબ્દો અહીં વાંચીએ : -
“ નવી સદીની નોબતો વાગવા લાગી છે. તેનો અવાજ એક વાર પણ સાંભળવાની સૌને તક મળતી નથી. એટલે મનમાં થયું ગુજરાતી ભાષાના પ્રેમીઓને, સહેલાણીઓને અને પિપાસુઓ માટે નવી સદીના પાંગરણમાં કંઈ કરું.
રાંધતી વખતે રસોડાની અભરાઈઓ ઉપર, રેફિ્રજરેટરના ખાનામાં નજર નાખીને શું બનાવવું તે નક્કી થાય છે તેમ મેં મારો ઇસ્કોતરો ખોલ્યો અને તેમાં નજર નાંખી ફંફોળ્યો. ધંધો એક કમ્પ્યુટરનો આવડે, વારસામાં થોડી કળા, થોડું સંગીત અને નિશાળના દિવસોમાં મળવા મુશ્કેલ તેવા મોંઘેરા બે-ત્રણ શિ્ક્ષકો મળવાનું અસીમ સદ્ભાગ્ય જડ્યાં! વધુમાં અનાયાસે મળેલા થોડાં રસિક મિત્રો મળ્યાં. ઘણું ઘણું!
મગજ અને ઇસ્કોતરાની પરની ધૂળ ખંખેરી, ઇન્ટરનેટના વાળમાં કેસુડાં શણગાર્યાં……. “
( કેસૂડાં ડોટ કોમ – પહેલો અંક ; સપ્ટેમ્બર – 1999 )
આટલી પ્રસ્તાવના સાથે કિશોરભાઇએ કેસૂડાંની જેમ શોભતો અને મઘમઘતો, ગુજરાતી લીપીમાં, વાંચનનો રસથાળ વિશ્વ ગુર્જરી સમક્ષ રજુ કર્યો હતો.
આજે ડીસેમ્બર – 2006 માં આ શુભ પ્રવૃત્તિ ‘કિશોર’ અવસ્થામાં પ્રવેશી છે. કિશોરભાઇના પ્રયત્નો તો બરાબર ફૂલ્યા ફાલ્યા છે. આજે નહીં નહીં તો ૬૫ થી ઉપર વ્યક્તિઓ ઇન્ટરનેટ પર સ્વેચ્છાએ ગુજરાતી સાહિત્ય વિશ્વ ગુર્જરી પર પીરસે છે. તેઓ જે માધ્યમથી આ કરી રહ્યા છે તેને ‘બ્લોગ’ કહે છે. આ ઉપરાંત ઘણી ગુજરાતી વેબ સાઇટો પણ અસ્તિત્વમાં આવી છે. એકલવીર મુરબ્બી શ્રી. રતીલાલ ચન્દરયાએ તો વીસ વર્ષની તપસ્યા બાદ, ગુજરાતી ભાષાનો આખો શબ્દ્કોશ વિનામૂલ્યે વિશ્વ ગુર્જરી ના વપરાશ માટે ખુલ્લો મૂકી દીધો છે.
ઇન્ગ્લેન્ડ, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, આફ્રીકા, ચીન, જાપાન, અરબસ્તાન વિ. અનેક દેશોમાં , અને અલબત્ત ભારતમાં અનેક ગુજરાતીઓ આ દરરોજ વાંચે છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ થી આગળ વધીને એકવીસમી સદીમાં આ માધ્યમ વિશ્વભરમાં વસતા, અગણિત ગુજરાતી કુટુમ્બોમાં વપરાતું થઇ ગયું છે. તમે બસ, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી કરતા હો તો કદાચ એમ બને કે તમારી બાજુમાં બેઠેલ કોઇ જુવાનીયો કે જુવાનડી ના ખોળામાં લેપ ટોપ પર ગુજરાતી કવિતાઓ લ્હેરાતી હોય કે ગુજરાતી ગીતો ગુંજતાં હોય !

તમે કહેશો કે ગુજરાતીમાં આટલાં બધાં છાપાં અને સામાયિકો આવે છે, તો પછી આ બધા ખેલ શા માટે? આ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. જે તીવ્ર ગતિથી આખું વિશ્વ એક ગામડું હોય તેવા ઇન્ટરનેટ યુગમાં ધસી રહ્યું છે ત્યારે આવું ન થાય તો જ નવાઇ! ગુજરાતી વેબ સાઇટ કે બ્લોગ એ એક પુસ્તક જેવું કાંઇક છે. તમે પુસ્તક વાંચવા હાથમાં લો અને પાનાં ફેરવવા માંડો તેમ તેનો ખજાનો તમારી સામે ખુલ્લો થઇ જતો હોય છે. બસ આવી જ રીતે તમે ઇન્ટરનેટ પર http://kesuda.com/ લખો એટલે કિશોરભાઇનાં કેસૂડાં હાજર. તમારે કોઇ ગુજરાતી સાહિત્યકારના જીવન વિશે જાણવું હોય તો http://sureshbjani.wordpress.com/ લખો એટલે ‘ ગુજરાતી સર્જક પરિચય’ અનુક્રમણિકા સાથે હાજર. http://layastaro.com/ લખો અને ‘ લયસ્તરો’ નામનો ગુજરાતી કવિતાનો મોટો ખજાનો હાજર અને તમારા ગમતા કવિના નામ પર ‘ ક્લીક’ કરો એટલે તેમની થોડી ઘણી રચનાઓ તમારી સામે ખડી થઇ જાય. અને ખૂબી તો જુઓ – દુનિયાના કોઇ પણ ખૂણામાં તમને આ સુવિધા તરત મળી જાય . તમને થાય કે ચાલો આપણી આ કવિતા કે લેખ પર કંઇક વિચાર વ્યક્ત કરીએ. આ માટે નીચે જગા આપેલી હોય ત્યાં તમારા પ્રતિભાવ આપી શકો, કોઇ ફરમાઇશ આપી શકો, અને ‘ક્લીક’ કરો એટલે તમારું સૂચન લેખકને ઇમેઇલથી મળી પણ જાય.
આ નવા, અતિ આધુનિક અને બહુ જ શક્તિશાળી માધ્યમના ફાયદા નીચે વર્ણવ્યા છે :-
1. ક્રોસ રેફરન્સ અને લીન્ક વડે માહીતિ બહુ ઝડપથી મેળવી શકાય છે.
2. કેટેગરી/ વિભાગ હોવાથી અનેક રીતે માહીતિ મેળવવાનું શક્ય બને છે, જે પુસ્તકમાં મુશ્કેલ છે.
3. હવે તો ગુગલની સર્ચ સુવિધા ગુજરાતીમાં પણ મળે છે. આથી કોઇ માહીતિ જોઇતી હોય તો તે તરત મળી શકે છે.
4. ગુજરાતી વિકીપિડીયા પણ ઉપલબ્ધ છે, જેમાં ઘણી બધી માહીતિ ગુજરાતીમાં ઉપલબ્ધ છે, અને કોઇ પણ વ્યક્તિ તે જ્ઞાન ભંડારમાં પોતાનો ફાળો આપી શકે છે.
5. ‘સમ્મેલન ( http://www.forsv.com/samelan/ ) ’ કે ‘ઓટલો( http://www.tarakash.com/guj/ )’ જેવી વેબ સાઇટ પરથી એક જ જગ્યાએથી બધા બ્લોગ વાંચી શકાય છે.
6. બ્લોગની દરેક પોસ્ટ માં કોમેન્ટ આપવાની સગવડ છે આથી વાચક પણ પોતાનો ફાળો આપી શકે છે, અને મૂળ મેટર વધારે સમૃધ્ધ બની શકે છે.
7. જો પોસ્ટમાં કોઇ માહીતિ દોષ હોય તો તે સુધારી શકાય છે, જે પુસ્તકમાં નવી આવૃત્તિ વગર શક્ય નથી. કોઇ પણ વખતે વધારાની માહીતિ ઉમેરવાનું શક્ય છે.
8. છાપાં મોટા ભાગે પસ્તીમાં કે ગાર્બેજમાં છેવટે સ્થાન પામે છે. જ્યારે બ્લોગ પરની માહીતિ વર્ષો પછી પણ તરત મળી જાય છે.
9. દુનિયાના કોઇ પણ ખૂણામાં અને નોટબુક પાસે હોય તો મોટર ગાડી , ટ્રેન કે પ્લેનમાં પણ તરતજ બ્લોગ વિઝીટ કરી શકાય છે. તમે સાથે કેટલા પુસ્તકો લઇ જઇ શકો?
10. પુસ્તકાલયમાં સતત સાફસૂફી કરવી પડે છે. ઉધાઇ લાગે કે પુર આવે કે આગ લાગે તો બધું નાશ પણ પામી શકે છે.
11. કોમ્પ્યુટર ખરાબ થઇ જાય તો બીજું લાવીને કે રિપેર કરીને ફરી પાછું વાંચન ચાલુ કરી શકાય છે, કે લાયબ્રેરીમાં પણ જઇ ને જોઇ શકાય છે.
12. સૌથી વધારે અગત્યની વાત તો એ કે, કોઇને પોતાના વિચારો કે સર્જનની અભિવ્યક્તિ માટે કોઇની પાસે જવાની જરૂર નથી. પાંચ જ મિનીટમાં નવો બ્લોગ ચાલુ કરી શકાય છે અને વધુમાં વધુ એક કે બે દિવસમાં પોસ્ટ બહાર પાડી શકાય છે. આ માટે કોઇ મદદ કે રકમની જરૂર નથી. તમારી અનુકૂળતાએ પોસ્ટ બનાવી, મન ફાવે ત્યારે તે પ્રકાશિત થઇ શકે છે. દા. ત. કોઇને રાત્રે જ કે રજાના દિવસે કામ કરવાનો સમય મળતો હોય તો ઘેર બેઠાં બધું જ કામ થઇ શકે છે.
13. કોઇ સંસ્થા ફોન કે ઇમેઇલ કર્યા વગર સભ્યોની મીટીંગ , મિનીટ્સ , ફોટા વિ. માહીતિ બ્લોગ પર મૂકી સરળતાથી સભ્યો સુધી પહોંચી શકે છે.
નીચે મોટા ભાગના બ્લોગ અને વેબ સાઇટોની વિગતો આપેલી છે. તમે આ સાઇટોની મુલાકાત લઇને ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ માણી શકો છો. જો તમે આમાંથી થોડા પણ બ્લોગ કે વેબ સાઇટો પર જશો તો તમને ખાતરી થશે કે, એક નવું ગુજરાતી સાહિત્યનું વિશ્વ કિશોરાવસ્થામાંથી છલાંગ મારી, યૌવનના તરવરાટથી સભર, ઉન્નત શિખરો આંબવા તલસી રહ્યું છે અને સૌ ગુજરાતીઓના સાથ, સહકાર, શુભેચ્છા અને સાન્નિધ્યની ખેવના રાખે છે.
તમે આ પૂણ્ય કાર્યનો આપના સંબંધીઓ અને મિત્રોમાં વ્યાપ કરી આ પ્રવૃત્તિને તમારો ટેકો આપશો તેવી અભ્યર્થના….

___________________________________________

ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિ -
1. અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ
2. અનુસંધાન - હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
3. અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ
4. અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
5. ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ
6. ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક
7. અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ
8. ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
9. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ
10. કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
11. કલરવ – વિવેક શાહનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
12. કલરવ…બાળકોનો…બાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ
13. કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
14. કાવ્યસૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓ અને આજની વ્યક્તિ વિશેષ જણાવતો બ્લોગ.
15. કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ
16. ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો
17. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
18. ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ
19. ગુજરાત અને ગુજરાતી - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
20. ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
21. ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
22. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
23. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર
24. ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ
25. ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
26. જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ
27. ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ
28. ‘ડી’નું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
29. તણખાં - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ
30. તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
31. દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.
32. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ
33. પ્રતિદિપ્તિ - કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ
34. પ્રત્યાયન - લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ
35. પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
36. બાગે વફા અને બઝ્મે વફા - કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ
37. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
38. મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
39. મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ
40. મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
41. મારા વિચારો, મારી ભાષામાં… - મુંબઈથી કાર્તિકનો અંગત બ્લોગ.
42. મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ
43. મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ
44. મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ
45. રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ
46. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
47. વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
48. વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ
49. .વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની ડાયરી
50. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો
51. શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ
52. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
53. શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.
54. શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
55. સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે
56. સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ
57. સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
58. સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ
59. સુવાકયો - નિમેષનો સુવાક્યોનો બ્લોગ
60. સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
61. સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ
62. સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
63. હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
64. હાર્દિક ટેંકનો બ્લોગ - હાર્દિક ટેંકનો મનગમતી કવિતાનો
65. હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
66. હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

3 comments:

Pankaj Bengani said...

your blog is added to "Otalo"

pl visit http://www.tarakash.com

Sagar Chand Nahar said...

આટલી મેહનત કરી ને લકેલા લેખ પર એકજ કમેંટ? ખરેખર જો ગુજરાતી બ્લૉગ નો વિકાસ કરવો હોય તો કમેંટ આપવામાં વ્ધારે ધ્યાન આપવો પડશે.

ManMIS said...

do maintain links, also you could have given urls to the blog listing pages rather than listing them on your post.

Manish MISTRY
manishmistry.blogspot.com

Free Website