Wednesday, November 29, 2006

ગુજરાતી માહીતિ સંચાર જગત

પ્રવેશ

પાંચ છ વર્ષ પહેલાં ચાલુ થયેલી ગુજરાતી ભાષાના માહીતિ અને જ્ઞાનના સંચારની પ્રક્રિયા અત્યારે એક નવા યુગમાં પ્રવેશી ચૂકી છે અને તેનો ખૂબ જ ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તો આ પ્રક્રિયા બહુ જ ફૂલી ફાલી છે. બ્લોગ અથવા વેબ સાઇટના ફાયદા નીચે વર્ણવ્યા છે .

ફાયદા

ક્રોસ રેફરન્સ અને લીન્ક વડે માહીતિ બહુ ઝડપથી મેળવી શકાય છે.
કેટેગરી/ વિભાગ હોવાથી અનેક રીતે માહીતિ મેળવવાનું શક્ય બને છે, જે પુસ્તકમાં મુશ્કેલ છે.
હવે તો ગુગલની સર્ચ સુવિધા ગુજરાતીમાં પણ મળે છે. આથી કોઇ માહીતિ જોઇતી હોય તો તે તરત મળી શકે છે.
ગુજરાતી વિકીપિડીયા પણ ઉપલબ્ધ છે.
સમ્મેલન કે ઓટલો માં એક જ જગ્યાએથી બધા બ્લોગ વાંચી શકાય છે.
બ્લોગની દરેક પોસ્ટ માં કોમેન્ટ આપવાની સગવડ છે આથી વાચક પણ પોતાનો ફાળો આપી શકે છે, અને મૂળ મેટર વધારે સમૃધ્ધ બની શકે છે.
જો પોસ્ટમાં કોઇ માહીતિ દોષ હોય તો તે સુધારી શકાય છે, જે પુસ્તકમાં શક્ય નથી . કોઇ પણ વખતે વધારાની માહીતિ ઉમેરવાનું શક્ય છે.
છાપાં મોટા ભાગે પસ્તીમાં કે ગાર્બેજમાં છેવટે સ્થાન પામે છે. જ્યારે બ્લોગ પરની માહીતિ વર્ષો પછી પણ તરત મળી જાય છે.
દુનિયાના કોઇ પણ ખૂણામાં અને નોટબુક પાસે હોય તો મોટર ગાડી , ટ્રેન કે પ્લેનમાં પણ તરતજ બ્લોગ વિઝીટ કરી શકાય છે. તમે સાથે કેટલા પુસ્તકો લઇ જઇ શકો?
પુસ્તકાલયમાં સતત સાફસૂફી કરવી પડે છે. ઉધાઇ લાગે કે પુર આવે કે આગ લાગે તો બધું નાશ પણ પામી શકે છે.
કોમ્પ્યુટર ખરાબ થઇ જાય તો બીજું લાવીને કે રિપેર કરીને ફરી પાછું વાંચન ચાલુ કરી શકાય છે, કે લાયબ્રેરીમાં પણ જઇ ને જોઇ શકાય છે.
સૌથી વધારે અગત્યની વાત તો એ કે, કોઇને પોતાના વિચારો કે સર્જનની અભિવ્યક્તિ માટે કોઇની પાસે જવાની જરૂર નથી. પાંચ જ મિનીટમાં નવો બ્લોગ ચાલુ કરી શકાય છે અને વધુમાં વધુ એક કે બે દિવસમાં પોસ્ટ બહાર પાડી શકાય છે. આ માટે કોઇ મદદ કે રકમની જરૂર નથી. તમારી અનુકૂળતાએ પોસ્ટ બનાવી, મન ફાવે ત્યારે તે પ્રકાશિત થઇ શકે છે. દા. ત. કોઇને રાત્રે જ કે રજાના દિવસે કામ કરવાનો સમય મળતો હોય તો ઘેર બેઠાં બધું જ કામ થઇ શકે છે.
જે ક્ષણે ટપાલ પ્રકાશિત કરવામાં આવે તે જ ક્ષણે આખી દુનિયામાં તે ઉપલબ્ધ થઇ જાય છે. કોઇ જૂનું માધ્યમ આટલું ઝડપી ન હોઇ શકે.
કોઇ સંસ્થા ફોન કે ઇમેઇલ કર્યા વગર સભ્યોની મીટીંગ , મિનીટ્સ , ફોટા વિ. માહીતિ બ્લોગ પર મૂકી સરળતાથી સભ્યો સુધી પહોંચી શકે છે.
આમ એકવીસમી સદીના આ માધ્યમનો વ્યાપ વધી રહ્યો છે અને વધવો જોઇએ.

ભવિષ્ય માટે વિચાર

હવે આપણે વિચારીએ કે આ પ્રક્રિયાનું ભવિષ્ય શું હોઇ શકે, અને તેના સુગઠિત વિકાસ માટે શું કરવાની જરૂર છે. મારા નમ્ર મતે હાલ જે રીતે આડે ધડે આ પ્રવૃત્તિ વિકસી રહી છે તેના યોગ્ય આયોજન માટે નીચેની પાયાની જરૂરિયાતો છે -

સીન્ડીકેશન – હાલમાં ‘ફોર. એસ. વી. – સમ્મેલન’ અને ‘ઓટલો’ આ બે સાઇટ પર સીન્ડીકેશન કરેલું છે. અહીં રોજે રોજ ચૂંટેલા બ્લોગ પરથી પાંચ દસ લીટીમાં નવી ટપાલની માહીતિ મળે છે. આને વધારે સારી રીતે વિભાગવાર ગોઠવવાની જરૂર છે, જેથી પોતપોતાની રૂચિ અનુસાર દરેક વ્યક્તિ વાંચી શકે. દા.ત. કવિતા, વાર્તા, રમૂજ, વ્યક્તિ પરિચય, આજની વ્યક્તિ વિશેષ, બાળ જગત, સાહિત્ય સમાચાર, હોબી, આરોગ્ય, રમત ગમત, કલા, સ્ત્રીઓ માટે વિભાગ વિ. આથી એક એવી વેબ સાઇટ બનાવવાની જરૂર છે, જે આ બધી સવલતો સુવાચ્ય રીતે, વિભાગવાર આપી શકે. આવી સાઇટ પર બહુ શક્તિશાળી સર્ચ એંજીન વાપરીને જોઇતી માહીતિ ઝડપથી મળી શકે તેવી સુવિધા હોવી જોઇએ.
ફોન્ટ – બધી નવી સાઇટો યુનીકોડ વાપરે છે, જે સૌથી વધુ આધુનિક રીત છે. જૂની સાઇટો જો આ પધ્ધતિ અપનાવવાનું શરુ કરે તો એકવાક્યતા આવે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલ માહીતિનું રૂપાંતર કરવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે. ઘણાને એ ભય રહે છે કે, આ ફોન્ટ જૂના કોમ્પ્યુટરમાં વાંચી શકાતો નથી. આ ભય અસ્થાને છે કારણકે, જે વર્ગ હજુ આવા કોમ્પ્યુટરોને વળગી રહ્યો છે, તે નવી ટેક્નોલોજી પર તબદીલ ( સ્વીચ) કરવા માટે આર્થિક રીતે સક્ષમ છે. અને હજુ તો આપણી પ્રજામાં બહુ મોટી વસ્તી પાસે કોમ્પ્યુટર નથી. જેમ જેમ આ લોકો પણ કોમ્પ્યુટર વસાવવાની ક્ષમતા ધરાવતા થશે, તેમ તેમ નવી ટેક્નોલોજી વાળા કોમ્પ્યુટરો જ વપરાવાના છે. માટે બહુ જ નાના વર્ગને બાદ કરતાં યુનીકોડ પ્રચલિત થયું છે તે સમજી શકાય તેમ છે. આ વિશ્વની સર્વ ભાષાઓ માટે સર્વ સ્વીકૃત સીસ્ટમ છે અને તે ખેલદિલી પૂર્વક સૌએ અપનાવી લેવી જોઇએ.
નિર્દેશીકા (મેન્યુઅલ) - હાલના અને નવા બ્લોગરો માટે દીશા દર્શક સૂચનાઓ બનાવવી જરૂરી છે. દા.ત. હાલમાં બધા પોતાને મનગમતા નામ તેમના વિભાગો ને આપે છે. વસ્તુ શું આપવી તેની સ્વતંત્રતા હોય તે બરાબર, પણ જો પૂર્વ નિશ્ચિત નામ વાળા વિભાગો રાખવામાં આવે અને બધા તે પ્રમાણે પોતાની ટપાલ ને વિભાગિત કરે તો સર્ચ માં તે સરળતાથી મેળવી શકાય અને સીન્ડીકેશન પણ સારું થાય. ઘણી વખત એક ની એક જ રચના એક થી વધારે જગ્યાએ પ્રકાશિત થાય છે. આમાં કાંઇ વાંધા જનક નથી, પણ પ્રયત્નો નો બિન જરૂરી બગાડ છે, જે અટકાવી શકાય.
કોપી રાઇટ – હાલમાં આ બાબતમાં કોઇ ખાસ ધ્યાન આપતું નથી, પણ કાયદાની દૃષ્ટિએ આનો અભ્યાસ થવો જોઇએ.
પ્રસાર - વધારે અને વધારે લોકો આ મધ્યમને જાણતા થાય તે માટે પ્રચારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને , લોકો સુધી આ વાત પહોંચાડવી જોઇએ.
હવે આપણે શું કરવું જોઇએ?

ઉપરોક્ત બાબતો તેમ જ બીજી કોઇ બાબત પર સૌ વિચાર કરે અને રચનાત્મક સૂચનો આપે. અગ્રગણ્ય અને સાધન સમ્પન્ન નેટીઝનોને વીનંતિ કે જનહિતાય આમાં તન , મન અને ધનથી પ્રદાન કરે, જેનું ઋણ ગુર્જર વિશ્વ કદી નહીં ભૂલે.

source : http://kaavyasoor.wordpress.com
by Suresh Jani

No comments:

Free Website