Tuesday, December 19, 2006

અપેક્ષિત પ્રેમ

પ્રિયતમ મારા…!!
હું નથી રાધા કે નથી મીરાં!
હા, એમનો અંશ જરૂર છું હું,
પણ સાચું કહું, રાધા કે મીરાં નથી હું!
તમે જ મારા શ્યામ છો, કબૂલ!
મને પણ અનહદ પ્રેમ છે, એય કબૂલ!
હું ચાહું છું તમને અંતરનાં ઉંડાણથી, બધુંયે કબૂલ!
પરંતુ મારો પ્રેમ નિરપેક્ષ નથી…
હું ભૂલું છું મારા સમગ્ર અસ્તિત્વને તમારી અંદર,
પરંતુ મને હજી એ યાદ છે…
હું ઓગળું છું હર ક્ષણ તમારામાં જ,
પણ મને એની ખબર છે…
નથી મારો કોઇ અંકુશ મુજ હૈયે,
એ વિવશતાનીયે મને જાણ છે …

હું રહી આ યુગની પ્રેમિકા!
મારી પાસે નિરપેક્ષ પ્રેમની અપેક્ષા કાં રાખો, પ્રિતમ?!
હા, મને અપેક્ષા છે, ઘણી ઘણી અપેક્ષા…

રાધાની જેમ હું રિસાઉં કદી, તો શ્યામની જેમ મનાવો મને…
એવી અપેક્ષા છે મને…
મીરાંનાં ઝાંઝર મુજ હૈયે રણકે છે,
એ જો સાંભળો તમે તો રેલાવો તવ ઉરેથી સૂર ક્યારેક…
એવી અપેક્ષા છે મને…
તમારા પ્રેમનો ટહુકો કરે છે મારો મન-મોરલો,
તો તમેય ક્વચિત પાડો એનો પડઘો…
એવી અપેક્ષા છે મને…
લાગણીનું ઝરણું હજી વહે છે કે સૂકાય છે? ક્યારેક તો જણાવો મને?!
એવી અપેક્ષા છે મને…
મુજ હ્રદયના હર તાલ પર તવ સ્મરણનું મૃદંગ વાગે છે…
ને તમારા હ્રદયના એકાદ તાલેય શું મારું સ્મરણ જાગે છે?
જણાવો એય ક્યારેક મને…
એવી અપેક્ષા છે મને…
દિવસ-રાત જતાં નથી તમે મારા વિચારોથી ક્યાંય કદી આગળ…
ને, હું આવું છું ખરી તમારા વિચારોમાં કદી એકાદ પળ?
જાણવું છે એય બધું મારે…
એવી અપેક્ષા છે મને…

પ્રિયતમ, જુઓને… કેટલીયે અપેક્ષા છે મને…!!!
એટલે જ તો કહું છું હું,
કે મારો પ્રેમ અપેક્ષિત છે, નિરપેક્ષ નહીં…!!!!
અને મને ખબર છે…
તમને પણ છે અપેક્ષા,
કે હું સદા નિરપેક્ષ રહું!!!!!

* * *
ઊર્મિસાગર
*

1 comment:

Free Website