Monday, December 18, 2006

તો ઇન્સાન નીકળ્યા!

ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઇથી ન પ્રેમના અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથે લઇ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યા બિન્દુ મોતીઓ,
મારા કરમ કે આંસુઓ તોફાન નીકળ્યા.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યા પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

- અમૃત ઘાયલ

No comments:

Free Website